Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ખરીફ પાકની પૂર્વ તૈયારી : સરકાર મગફળીનું વધારાનું બિયારણ ખરીદીને વિતરણ કરશે

બિયારણના કાળાબજારની સંભાવના ટાળવા આગોતરૂ આયોજન

રાજકોટ તા. ૫ : રાજ્ય સરકાર દ્વારા ચોમાસુ પાકને અનુ લક્ષીને બિયારણ વિતરણની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા રાબેતા મુજબ તૈયાર કરાવાતા મગફળીના બિયારણ ઉપરાંત આ વખતે બજારમાંથી વધારાનું બિયારણ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા થઇ છે. હાલના સંજોગોમાં મગફળીના બિયારણના સંભવિત કાળાબજાર અટકાવવા માટે આગોતરૂ આયોજન થઇ રહ્યું છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા દર વર્ષે તૈયાર કરાવાતા ૭૦ થી ૭૫ હજાર કવીન્ટલ મગફળીના બિયારણ ઉપરાંત આ વર્ષે વધારાનું ૨૫ થી ૩૦ હજાર કવીન્ટલ બિયારણ ખરીદવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકાર પોતાની અનુ કૂળતા મુજબ બિયારણની ખરીદી કરીને બીજ નિગમ મારફત ખેડૂતોને વ્યાજબી ભાવે વિતરણ કરશે. આ વખતે મગફળીના ભાવ ઉંચા હોવાથી મગફળીના બિયારણના કાળાબજાર થવાની સંભાવના ટાળવા સરકાર બજારમાં પોતાની પૂરતી હાજરી રાખવા માંગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ચોમાસામાં મગફળી મુખ્ય પાક છે. ચોમાસાનો પ્રારંભ સમયસર હોય તો ૧૫ જુન આસપાસ વાવણીની મોસમ ખીલે છે.

(11:51 am IST)