Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

શ્વાનની અંતિમ ક્ષણ સુધી વફાદારી

સુરતમાં સાધ્વીજીની પાલખીયાત્રામાં શ્વાન પણ પાંચ કિ.મી. ચાલ્યો અગ્નિદાહ આપ્યો ત્યાં સુધી રહ્યો

સુરત, તા.૫: શહેરનાં વેસુ વિસ્તારમાં જૈન સંપ્રદાયનાં ૧૦૦ વર્ષનાં સાધ્વીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા, તેમની પાલખી યાત્રા દરમિયાન એક શ્વાન પણ પાલખીની સાથે સાથે ચાલવા લાગ્યો હતો અને છેક પાંચ કિલોમીટર દુર ઉમરા સ્મશાન સુધી તે પાલખીની નીચે જ ચાલતો રહ્યો હતો. જેથી પાલખીના સભ્યોને લાગ્યું કે, હવે શ્વાન પાછો વેસુ કઇ રીતે પહોંચશે જેથી તેને સભ્યોએ કારમાં બેસાડી ફરી વેસુ વિસ્તારમાં છોડી મુકયો હતો.

 વફાદાર પ્રાણી ગણાતા શ્વાનના અનેક દાખલાઓ જોવા મળ્યા છે. પ્રાણીઓમાં રહેલી સંવેદનાને ઉજાગર કરતા આ બનાવની વિગત એવી છે કે, ૧૦૦ વર્ષના પિયુષ વર્ષા સાધ્વી મહારાજ જી.ડી ગોએન્કા સ્કુલની સામે રામેશ્વરમ એપાર્ટમેન્ટમાં કાળધર્મ પામ્યા હતા. વેસુ વિસ્તારના ઉપાશ્રયમાં છેલ્લા કેટલાક સમયથી રહેતા સાધ્વી પિયુષ વર્ષા આ શ્વાનને ભોજન, પાણી આપવાની સાથે કરુણાભાવ અને પ્રેમ ભાવ રાખતા હતા. જયારે સાધ્વી મહારાજની પાલખી કાઢવામાં આવી ત્યારે ત્યાં જ એક કુતરો પાલખીની સાથે સાથે અને પાલખી બરાબર નીચે ચાલવા લાગ્યો હતો, થોડીવાર બધાને લાગ્યું કે બધા ભેગા રહ્યા છે એટલે આપણી જોડે તે ચાલે છે. પાલખીયાત્રામાં જોડાયેલા લોકોએ એને બહાર કાઢ્યો.

પણ થોડીવારમાં ફરી પાછો પાલખીની નીચે ચાલવા લાગ્યો અને પાલખી છેક પાંચ કિલોમીટર દૂર ઉમરા સ્મશાન સુધી ગઈ ત્યાં સુધી એ પાલખી નીચે જ ચાલતો રહ્યો. જયારે મહાત્માને અગ્નિ દાહ આપવામાં આવ્યો ત્યારે પણ એ ત્યાં ને ત્યાં જ બાજુમાં ઉભો રહ્યો.

 આ ઘટનાને નજરે નિહાળ્યા બાદ પાલખીના સભ્યોને લાગ્યું કે હવે આ પાછો કેવી રીતે જશે? જેથી આ શ્વાનને પાલખી ગૃપના એક સભ્ય પંપાળીને પ્રેમથી ઉચકીને ગાડીમાં મુકયો તો તરત જ ગાડીમાં ગોઠવાઈ ગયો અને ત્યારબાદ ફરી તેને વેસુ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.

(11:21 am IST)