Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ભાજપના નેતાઓ જ કોરોનાના સૌથી મોટા સુપર સ્પ્રેડર : બીજી લહેર સામે સરકાર નિષ્ફ્ળ : અર્જુનભાઈ મોઢવાડિયા

જો ભાજપ કોરોના સંક્રમિતોની મદદ કરવા માંગતી હોત તો ઈન્જેક્શનનું વિતરણ નહીં પણ હોસ્પિટલોને આપી દેવા જોઈતા હતા

સુરત: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની મુલાકાત લઈને ત્યાંની સ્થિતિની સમીક્ષા કરીને દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. આ સાથે જ તેમણે રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યાં હતા.

 મોઢવાડિયાએ કોરોનાની બીજી લહેર સામે ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી હોવાનું જણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપના નેતાઓ જ કોરોનાના સૌથી મોટા સુપર સ્પ્રેડર છે. કોરોના સંકટમાં પણ રાજનીતિનો આરોપ લગાવતા તેમણે જણાવ્યું કે, રેમડેસિવિરના જે ઈન્જેક્શન હોસ્પિટલ મેનેજમેન્ટને મળવા જોઈતા હતા. જો કે સસ્તી લોકપ્રિયતા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખુદ તેનું વિતરણ શરૂ કરી દીધુ હતું.

કોંગ્રેસ નેતાએ તબીબો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આવનારા તમામ દર્દીઓને દાખલ કરવા જોઈએ. કોરોનાનો સામનો કરવામાં સરકારની નીતિઓ નિષ્ફળ નીવડી છે. રાજ્ય સરકાર લોકોને સારવાર પૂરી પાડવામાં અને કોરોના પર કાબૂ મેળવવામાં સદંતર નિષ્ફળ રહી છે. સુરત શહેર અને રાજ્યની હોસ્પિટલોમાં ઑક્સિજનની કમીથી લોકો મરી રહ્યાં છે અને રાજ્ય સરકાર પૂરતા ઑક્સિજનની વ્યવસ્થા પણ નથી કરી શકતી.

અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો કે, કોરોના સંક્રમણને કાબૂમાં લેવાની જગ્યાએ ભાજપે રાજનીતિ કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું. જ્યારે હોસ્પિટલોમાં રેમડેસિવિરની અછત હતી અને લોકો ઈન્જેક્શનના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં હતા. એવા સમયે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે રાજ્યના ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે રેમડેસિવિર ઈન્જેક્શનનું ભાજપના કાર્યાલયથી વિતરણ શરૂ કરી દીધુ. corona super spreader

જો ભાજપ કોરોના સંક્રમિતોની મદદ કરવા માંગતી, તો આ ઈન્જેક્શન હોસ્પિટલોને આપી દેવા જોઈતા હતા. ખરી સુપર સ્પ્રેડર તો ભાજપના નેતાઓ છે અને સરકાર મોતના સાચા આંકડા છૂપાવી રહી છે. એક વર્ષમાં રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી કરી શકી

(11:14 pm IST)