Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વડોદરામાં આજવારોડ નજીક ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા:પીવાનું પાણી દુષિત આવતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

 વડોદરા:શહેરમાં ભરઉનાળે પીવાના પાણીનો કકળાટ સર્જાયો છે.આજવારોડની મહાકાળી સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાના નિવારણ માટે કોર્પોરેશને છેલ્લા ૧૫ દિવસથી ખાડા ખોદી કાઢ્યા છે.તેમછતાંય હજી પાણીની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી.જેના કારણે આજુબાજુની સોસાયટીના રહીશો પણ ત્રાસી ગયા છે.આજે સવારે સ્થળ પર આવેલા સ્થાનિક મહિલા કોર્પોરેટર અને તેના પતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આજવારોડ પર આવેલી મહાકાળી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું દૂષિત પાણી આવતુ હતું.એકતરફ કોરોના અને બીજી તરફ દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડતા  હતા.સ્થાનિક મહિલા કોર્પોરેટરને રજૂઆત કરતા દૂષિત પાણીનો ફોલ્ટ શોધવા માટે કવાયત શરૃ કરવામાં આવી હતી.છેલ્લા ૧૫ દિવસથી વિસ્તારના રોડ ખોદી નાંખવામાં આવ્યા છે.ગઇકાલે એક જગ્યાએ પાણી અને ડ્રેનેજનું પાણી ભેગુ થતુ હોવાનું શોધી કાઢ્યુ હતું.પરંતુ,ઘરની સામે ખોદેલા મોટા  ખાડામાં   ભારે દુર્ગંધ મારતુ  પાણી ભરાઇ જતા લોકો પરેશાન થઇ ગયા હતા.અને છેલ્લા બે દિવસથી કામ કરવા માટે કોઇ ફરકતુ નહતું.જેના કારણે સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા.આજે સવારે સ્થાનિક મહિલા કોર્પોરેટર અને તેમના પતિ સોસાયટીમાં આવતા લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.ત્યારબાદ ઘરની સામે ભરાયેલા દૂષિત અને દુર્ગંધ પાણીનો નિકાલ કરવાનું શરૃ કરવામાં આવ્યુ હતું.અને ૧૫ દિવસથી ખોદેલા ખાડા  પણ પૂરવા માટે કહ્યુ હતું.

(5:20 pm IST)