Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ગાંધીનગર મનપાની દૈનિક કામગીરી હાથ ધરવાની સત્તા મ્યુનિ. કમિશનરને સોંપાઇ

સ્ટેન્ડીંગ કમિટીને મળેલી સત્તાનો ઉપયોગ કરી શકશે: કોઇ નીતિ વિષયક નિર્ણય લઇ શકશે નહીં

ગાંધીનગર : કોરોનાના કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની તા.5મી મેના રોજ મુદત પૂર્ણ થતી હોવાથી જયાં સુધી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ના મળે ત્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકાના વહીવટી વડા તરીકે કામ કરતાં મ્યુનિ. કમિશનર મહાનગરપાલિકાની રોજબરોજની કામગીરી વહન કરી શકશે. જો કે આ સમયગાળા દરમિયાન તેઓ સ્ટેન્ડીંગ કમિટીને મળેલી સત્તાનો ઉપયોગ કરી શકશે. પરંતુ આ સત્તામાં કોઇ નીતિ વિષયક નિર્ણય લઇ શકશે નહીં.

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની સામાન્ય ચુંટણી 18મી એપ્રીલના રોજ યોજાવાની હતી. પરંતુ કોવિડ 19 રોગચાળાની પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇને જાહેર આરોગ્યની જાળવણી માટે અને મુક્ત મતદાન થઇ શકે તે માટે રાજય ચુંટણી આયોગે 10મી એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી બીજો આદેશ ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવાનો હુકમ કર્યો હતો.

રાજયની મહાનગરપાલિકાની મુદત પુરી થતી હોય તેવી મહાનગરપાલિકામાં વહીવટદારની નિમણૂંક કરવાની જોગવાઇ ધી ગુજરાત પ્રોવીન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ,1949ની કલમ 7 ( એ ) સુધારા વહહુક્મ દ્વારા 3-10-2015ના રોજ બહાર પાડેલ હતી. પરંતુ આ હુક્મને હાઇકોર્ટે ગેરબંધારણીય જણાવી વહીવટદારની નિમણૂંક શક્ય નથી તેવો હુક્મ કર્યો છે.

જો કે હાઇકોર્ટના 19-10-2006ના ચુકાદામાં એવું જણાવ્યું છે કે, એવા અપવાદરૂપ સંજોગોમાં કે જેમાં મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીઓ શક્ય ના હોય તેવા સંજોગોમાં જો ચુંટણી પંચ તાકીદ કરે અને ચૂંટણીઓ શક્ય ના હોય તો સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની મુદત રાજય સરકાર તથા અન્ય સક્ષમ સત્તાના પરામર્શમાં લંબાવવી. પરંતુ એવો પણ ભાર મૂક્યો છે કે, કાયમી ધોરણે આવી પ્રથા ન પડે તેનું ખાસ આચિત્ય જાળવવું. તેની સામે સુપ્રિમ કોર્ટમાં મેટર ગઇ હતી. જેમાં થયેલા ચુકાદા પરની ચર્ચા-વિચારણાં બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઉપરોક્ત હુક્મ કર્યો છે

(9:41 pm IST)