Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

સોનાની જવેલરી માં ફરજીયાત હોલમાર્ક લાગુ કરવા તૈયારી

ગ્રાહક મંત્રાલયે નિયમો અને દિશા નિર્દેશ તૈયાર કરી કાનૂન મંત્રાલયને મોકલી દીધાઃ આ મહિને સ્વીકૃતિ મળતા કરાશે અમલ

રાજકોટ તા. ૫ : સોનાના આભૂષણોમાં ફરજીયાત હોલમાર્કિંગ લાગુ કરવા તૈયારી આરંભાઈ છે. કેન્દ્ર સરકારે ફરજીયાત હોલમાર્કિંગ સિસ્ટમ અમલી બનાવવા કમર કસી છે. ગ્રાહક મંત્રાલયે આ માટે નિયમો અને દિશા નિર્દેશ તૈયાર કરીને કાનૂન મંત્રાલયને મોકલી આપ્યા છે અને સંભવત આ મહિને સ્વીકૃતિ મળતા જ લાગુ કરાશે.

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આશા વ્યકત કરી છે કે કાનૂન મંત્રાલય તરફથી આ મહિને સ્વીકૃતિ મળી જશે ત્યાર બાદ આ વ્યવસ્થાને લાગુ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રાહક મંત્રાલયે સોનાની શુદ્ઘતાની શ્રેણી ૨૨,૧૮ અને ૧૪ કેરેટને હોલમાર્કિંગ કેન્દ્રો દ્વારા ફરજીયાત કરવા સબંધી દિશા નિર્દેશ કાનૂન મંત્રાલયને સોંપ્યા છે મંત્રી પાસવાને કહ્યું કે ગ્રાહકોના હિતમાં સોનાની શુદ્ઘતા માટે ખુબ જ અગત્યનું પગલું છે કાનૂન મંત્રાલય હાલમાં દિશા નિર્દેશોનો અભ્યાસ કરી રહી છે. પાસવાને સ્પષ્ટ કહ્યું કે અમારો હેતુ ગ્રાહકોને શુદ્ઘ સોનાના દાગીના ઉપલબ્ધ કરાવવાનો છે. આ માટે વેપારીઓની મુશ્કેલીનો જ કોઈ સવાલ જ નથી.

હોલમાર્ક તબક્કાવાર લાગુ કરાશેઃ એસેયિંગ સેન્ટરોની પર્યાપ્તા અંગે પણ કરાઇ સમીક્ષા

રાજકોટ તા. ૫  : સોનાના આભુષણોના ફરજીયાત હોલમાર્ક લાગુ કરવા ભારતીય માનક બ્યુરોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે આ માટેનો ડ્રાફટ છેલ્લા બે વર્ષથી તૈયાર થઇ રહયો છે. બીઆઇએસ દ્વારા આ અંગેની લાયસન્સ પ્રક્રિયા ઓનલાઇન ઉપલબ્ધ કરવાની પણ સમીક્ષ કરાઈ હતી.

જાણવા મળ્યા મુજબ સોનાની જવેલરીમાં હોલમાર્કિંગ  એક સાથે સમગ્ર દેશમાં લાગુ નહિ કરાયા પરંતુ સૂત્રોના માનવા મુજબ પ્રથમ તબક્કામાં ૫ મેટ્રો શહેરોમાં હોલમાર્ક જરૂરી બનાવશે ત્યારબાદ બીજા તબક્કામાં ટીયર ૨ શહેરોને સામેલ કરાશે.

હોલમાર્કિંગથી શુદ્ઘતા નક્કી થતા જવેલરીના રી સેલમાં સારો ભાવ મળશે અને ભેળસેળ થવાનો ભય નહિ રહે જાણકારોના માનવા મુજબ આ નિયમ લાગુ કરવાથી મોટા શહેરોમાં મુશ્કેલી થશે નહિ પરંતુ નાના શહેરોમાં હોલમાર્કિંગ સેન્ટરોની પર્યાપ્ત માત્રામાં નહિ હોવાથી વેપારીઓને પરેશાની થઇ શકે છે આવા સંજોગોમાં નાના સેન્ટરોમાં હોલમાર્ક સેન્ટરની સંખ્યા વધારવી જરૂરી છે.

(5:48 pm IST)