Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

બિટકોઇન મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા એસપી જગદીશ પટેલ, અનંત પટેલ બાદ હવે કિરીટ પાલડિયાની ધરપકડ

સુરતઃ કરોડો રૂપિયાના ચકચારી બિટકોઇન પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમે કિરીટ પાલડિયાની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમે આ પહેલા બિટકોઈન કેસમાં અમરેલિના પીઆઈ અનંત પટેલ અને એસપી જગદીશ પટેલની પહેલા જ ધરપકડ કરી લીધી છે. હવે આ કેસમાં ત્રીજી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે કિરીટ પાલડિયાની ધરપકડ કરી લીધી છે. આ મામલે સીઆઈડી ક્રાઇમ હવે મોટો ખુલાસો કરી શકે છે. સીઆઈડીના ખુલાસામાં બીજા મોટા નામ પણ બહાર આવી શકે છે. નોંધનીય છે કે બિલ્ડિર શૈલેષ ભટ્ટ શરૂઆતથી જ આ કૌભાંડમાં કિરીટ પાલડિયાનું નામ લઈ રહ્યો હતો. આ કેસમાં કિરીટ પાલડિયા સાક્ષી પણ બની ચુક્યો છે. પરંતુ આખરે સીઆઈડી ક્રાઇમને ઠોસ પુરાવા હાથ લાગતા તેની ધરપકડ કરવામાં આવી છે.

બિટકોઈન તોડ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. CID ક્રાઈમને અમરેલી SPના ખાતામાં આંગડિયા પેઢી મારફતે 1.32 કરોડ રૂપિયા મોકલનારા સુરતના વ્યક્તિની ભાળ મળી હતી. એસપી જગદીશ પટેલ સીઆઈડી ક્રાઈમને તપાસમાં પણ સહકાર આપતા ન હતા. આ પહેલા 24 એપ્રિલે અમરેલી જિલ્લાના SP જગદીશ પટેલની અટકાયત કરાઈ હતી.

આ બાજુ, બીટકોઇન મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે નોટબંધી સમયે બ્લેકમની બીટકોઇનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં સુરતના કેટલાંક બિલ્ડરો અને મોટા માંથાઓની સંડોવણી સામે આવી શકે છે. આ સમગ્ર ઘટસ્ફોટ બીટકોઇન કૌભાંડમાં કથિત સંડોવાયેલ કિરીટ પાલડિયાએ કરી છે. પાલડિયાએ જણાવ્યું હતું કે સુરત હવાલા કૌભાંડનું એપી સેન્ટર છે. કેટલાંક બિલ્ડરો હવાલાના રૂપિયા બીટકોઇનમાં ટ્રાન્સફર કરી વિદેશ ફરાર થઇ ગયા છે. ઇડી સહિતની સેન્ટ્રલ એજન્સીઓએ સુરતમાં તપાસ તેજ બનાવી છે. તો સીઆઇડીની તપાસ વિદેશ સુધી પહોંચી છે. જ્યારે અનેક મોટામાથાઓ વિદેશ ભાગવાની ફિરાકમાં છે.

સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુ.એ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.

(6:03 pm IST)