Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ભરૂચ જિલ્લામાંથી વડોદરામાં ગાંજો ઘુસાડવાનું નેટવર્ક ચલાવનાર શખ્સને પોલીસે કરજણ ટોલનાકા નજીકથી ઝડપી પાડયો

વડોદરા : ભરૃચ જિલ્લામાંથી વડોદરા શહેરમાં ગાંજો ઘુસાડવાનું નેટવર્ક જિલ્લા પોલીસે ઝડપી પાડી શહેરના આજવારોડ વિસ્તારના એક શખ્સને રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે લીલા રંગની સીએનજી રિક્ષામાં ગાંજાનો જથ્થો લઇને એક શખ્સ વડોદરા તરફ જવાનો છે તેવી  બાતમી મુજબ જિલ્લા એસઓજીના સ્ટાફે કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની રિક્ષા આવતા તેને અટકાવી તપાસ કરતા રિક્ષામાં ડ્રાઇવર સીટ પાસે મળેલા એક થેલામાં બે પેકેટો મળ્યા હતાં. આ પેકેટોમાં તપાસ કરતા તેમાં ગાંજાનો જથ્થો જણાયો હતો. પોલીસે ૪ કિલો ૬૧ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.

આ અંગે પોલીસે રિક્ષાચાલક સલીમ ફકીરમહંમદ દિવાન (રહે.કબ્રસ્તાન પાસે, એકતાનગર, આજવારોડ)ની અટકાયત કરી તેની પાસેથી મોબાઇલ, ગાંજાનો જથ્થો, રિક્ષા મળી કુલ રૃા.૧.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી, કોની પાસેથી મેળવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(6:09 pm IST)