Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગાંધીનગરમાં દર્દીઓની પરિસ્થિતિની દેખરેખ, બેડની સંખ્યાના મોનીટરીંગ માટે કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર કાર્યરત

કોરોનાના કેસો અટકાવવા સરકારના પ્રયાસો જારીઃ નીતિનભાઈ પટેલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ. રાજ્યમાં ત્રણ-ચાર માસના વિરામ બાદ કોરોનાએ ફરીથી તોફાન મચાવવાનું શરૂ કરેલ છે.

રાજ્ય સરકાર આ બાબતે ખૂબજ ચિંતિત છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આરોગ્ય તંત્રને સતત જાગૃત રહેવાની તાકીદ કરી છે. આ ઉપરાંત કેટલીક મહત્વની બાબતો પર સતત ધ્યાન આપવામાં આવેલ છે.

વધતા જતા કોરોનાના કેસો માટે રાજ્ય સરકારે લીધેલા પગલાની વિગતો આ મુજબ છે.

- રાજ્યની તમામ સરકારી હોસ્પીટલોમાં અલાયદી વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. હોસ્પીટલોને પણ સરકાર શ્રી દ્વારા હાયર કરવામાં આવેલ છે.

- રાજ્યમાં કોવિડ-૧૯ના નિદાન માટે સરકારી તેમજ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે તથા ત્વરીત નિદાન માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા કરવામાં આવેલ છે જેથી તાત્કાલીક નિદાન શકય બને તથા દર્દીઓને તાત્કાલીક સારવાર આપી શકાય.

- આઈટીઆઈએચએએસ (ઈતિહાસ) સર્વેલન્સ સિસ્ટમ દ્વારા હોટસ્પોટ તથા ઈમરજીંગ હોટસ્પોટ વિસ્તાર શોધીને ખાસ કરીને પીંક અને એમ્બર હોટસ્પોટ વિસ્તારમાં ધનવંતરી રથના માધ્યમથી ટ્રાન્સમીશનની ચેઈન તોડવા માટે સર્વેલન્સની કામગીરી સઘન કરવામાં આવેલ છે.

- રાજ્યમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ કરી કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા વ્યકિતઓને શોધી કાઢી પ્રાથમિક સારવાર, એન્ટીજન ટેસ્ટ તેમજ જરૂર જણાયે હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવેલ છે.

- ધન્વંતરી રથ - એમ્બ્યુલન્સ દ્વારા રાજ્યના વિવિધ સ્થળો ખાતે દૈનિક ધોરણે જરૂરીયાતમંદ વ્યકિતઓને સારવાર આપવામાં આવેલ છે.

- રાજ્યમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા જે અંતર્ગત ડોકટર અને પેરામેડીકલ સ્ટાફની ટીમ દ્વારા મોનીટરીંગ તેમજ સારવાર આપવામાં આવેલ છે.

- સીનીયર સીટીઝન માટે ખાસ વડીલ સુખાકારી સેવા દ્વારા તેઓના ઘર આંગણે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવેલ. વૃદ્ધ દર્દીઓને તેઓના ઘર આંગણે સારવાર આપવામાં આવી. સિનીયર સીટીઝન માટે એ.એમ.સી. દ્વારા મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી.

- આ ઉપરાંત ૧૦૪ હેલ્પલાઈન, ધન્વંતરી રથ અને આરોગ્ય સેતુના ઉપયોગથી હાઈરીસ્ક ઝોનમાં સર્વેલન્સની કામગીરી

- રાજ્યમાં પાટનગર ખાતે દર્દીઓની પરિસ્થિતિની દેખરેખ અને બેડની સંખ્યાના મોનીટરીંગ માટે કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર દ્વારા કરવામાં આવેલ છે.

- લોકડાઉન દ્વારા તમામ તહેવારો ફકત જાહેર ભાવનાઓને સુરક્ષિત રાખીને પ્રતિકાત્મક અર્પણ કરવામાં મર્યાદીત કરવામાં આવ્યા હતા. હોળી, જન્માષ્ટમી, મોહરમ, નવરાત્રી, ઈદ વગેરે જેવા તહેવારો પ્રતિબંધીત કરવામાં આવ્યા.

- ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવાની વાર્ષિક પરંપરા હોવા છતા રાજ્ય સરકાર દ્વારા કડક પ્રતિબંધ મુકવામાં આવેલ.

- સંબંધિત ક્ષેત્રોમાં પ્રવૃતિઓ સંબંધિત અધિકારીઓ દ્વારા નજીકથી દેખરેખ હેઠળ હતી. આ સમયગાળા દરમિયાન ડોર ટુ ડોર ઝુંબેશ, રોડ શો - રેલીઓ, ચૂંટણી સભાઓ અને મેળાવડા વગેરે માટેની સાવચેતી રાખવા જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી.

રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરોમાં દરરોજ રાત્રે ૯.૦૦ થી સાંજના ૬.૦૦ સુધી દૈનિક નાઈટ કર્ફયું.

- રાજયે તાત્કાલિક ધોરણે જાહેરનામુ બહાર પાડયુ છે. જેમાં લગ્ન અને સંબંધિત કાર્યક્રમો માટે ખુલ્લા અને બંધ સ્થળોએ મંજુરી આપવામાં આવતી મહત્તમ સંખ્યાને ઘટાડીને ૧૦૦ કરવામાં આવી છે અને અંતિમવિધિ અને અન્ય સંબંધિત પ્રવૃતિઓ માટે મહત્તમ સંખ્યા માન્ય વ્યકિતઓની સંખ્યા ૧૦૦થી ઘટાડીને ૫૦ કરી દેવામાં આવી છે.

- સરકારે મેડિકલ કોલેજોમાંથી મેડિકલ ડિગ્રી મેળવનારા લગભગ ૯૦૦ એમબીબીએસ ડોકટરોની સેવાઓ મેળવવાની માંગ કરી છે અને તેમને ત્રણ વર્ષના બોન્ડ ગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોના બદલે સેવાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુકવામાં આવેલ છે.

- ત્રીજા વર્ષ અને ચોથા વર્ષના તબીબી વિદ્યાર્થીઓ, નર્સિંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની સર્વેલન્સ અને પરીક્ષણ ટીમોના ભાગરૂપે ઉપયોગ કરવામાં આવેલ છે.

આમ કોરોનાને કારણે દર્દીઓના મૃત્યુ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપરોકત પગલા લેવામાં આવેલ છે.

(4:44 pm IST)