Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કમિશ્નરમાં ડ્રાફટ બજેટમાં ૫૭૬ કરોડનો વધારો : કોરોનાના કારણે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા કોર્પોરેશનની હદમાં ૪૦ ચો.મી. સુધીની તમામ રહેણાંક મિલ્કતમાં ૧૦૦ ટકા ટેકસ માફીની જાહેરાત

રાજકોટ,તા. ૫: અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં ૫૭૬ કરોડનો વધારો સૂચવી રૂપિયા ૮,૦૫૧ કરોડના બજેટને મંજૂરી આપી છે. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડીંગ કમિટીએ કોર્પોરેશનની હદમાં આવેલી ૪૦ ચોરસ મીટર સુધીની તમામ રહેણાકની મિલકતમાં ૧૦૦ ટકા ટેકસ માફી આપવામાં આવી છે. આ ઉપરાંત ૪૦ મીટર સુધીની રહેણાંકની મિલકતોમાં અત્યાર સુધીના બાકી ટેકસ જો ૩૧ ઓગસ્ટ સુધી ભરવામાં આવે તો તેમાં પણ વ્યાજ માફી આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાઉન્સિલરોના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા કાઉન્સિલરોના બજેટમાં ૧૭ લાખનો વધારો સૂચવવામાં આવ્યો હતો. જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેમાં ૧૩ લાખનો વધારો કરીને ૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય ચેરમેનના સ્પેશિયલ બજેટમાં ૨૦ લાખ અને ડેપ્યુટી ચેરમેનના સ્પેશિયલ બજેટમાં ૧૦ લાખની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.

'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત ૦ થી ૧૦૦ ચોરસ મીટરના બાંધકામ ધરાવતી પ્લિંથ બાંધકામ ધરાવતી સોસાયટી કે ફ્લેટના કોમન પ્લોટની સફાઈ માટે તેમજ રસ્તાઓની સફાઈ માટે ૨૫૦ થી ૩૦૦૦ સુધીની સહાય કરવામાં આવશે. જે સોસાયટીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ સોસાયટીમાં સફાઈ માટેની હાથ લારીઓ ૩ વર્ષ સુધી ૫૦ ટકા ભાવે સપ્લાય કરવામાં આવશે. જેના માટે ૪.૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે હોલમાં એસી લગાવવામાં આવ્યા નથી, તેવા હોલને તબક્કાવાર સેન્ટ્રલાઈઝ એસી કરવા માટે ૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

જયારે નવા સમાયેલા વિસ્તારોના વિકાસ માટે કમિશનર દ્વારા તેમના બજેટમાં ૧૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા ૨૦ કરોડનો વધારો કરી ૧૩૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ રોડ પર ૩૦ બેડની નવી હોસ્પિટલ બનાવવા માટે ૧૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. બજેટની મોટી-મોટી વાતો..

. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સ્કૂલ બોર્ડને સોંપવામાં આવેલી શાળાઓની મરામત કરવા માટે ૧૦ કરોડની ફાળવણી . સૈજપુર તેમજ ઠક્કરબાપાનગર નગરમાં નવી શાળાઓ બનાવવા માટે ૨ કરોડની જોગવાઈ . ઠક્કરબાપાનગરમાં જિમ્નેશિયમ બનાવવા ૧ કરોડ . ચાંદખેડા તેમજ અન્ય વોર્ડમાં સિનિયર સીટીઝન પાર્ક બનાવવા માટે ૫ કરોડની જોગવાઈ . સરદાર બાગ ખાતે બાળકોના રમવાના સાધનો વસાવવા માટે ૫ કરોડની જોગવાઈ . આયુષ માનવ થીમ આધારિત ગાર્ડનનું નિર્માણ કરવા માટે ૫ કરોડની જોગવાઈ. શહેરને ગ્રીન સિટી બનાવવા ૫ કરોડની જોગવાઈ . મ્યુનિસિપલ ગાર્ડનોમાં કસરતના સાધનો વસાવવા માટે ૨ કરોડની જોગવાઈ . કોર્પોરેશનની માલિકીના હોટ મિકસ પ્લાન્ટ બનાવવા માટે ૬ કરોડની જોગવાઈ . ફાયર સ્ટેશન અને ફાયરની ચોકીમાં વધારો કરવા માટે ૧૫ કરોડની જોગવાઈ . શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોટર વર્કસનું આયોજન કરવા માટે ૧૦ કરોડ . ઉત્ત્।ર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સ્ટેન્ડબાય બોર બનાવવા માટે ૧૦ કરોડ . જુદા-જુદા વિસ્તારોમાં પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા માટે ૨૫ કરોડ . ૫ નવી એમ્બ્યુલન્સ અને ૫ નવી શબ વાહિની ખરીદવા માટે ૫ કરોડ . તળાવોના વિકાસના આયોજન માટે ૧૦ કરોડ . મોબાઇલ ટોઇલેટ વાન તેમજ ગ્રીન ટોયલેટ વાન ખરીદવા માટે ૨ કરોડ . શહેરમાં ૧૦ નવા આધુનિક પાર્ટી પ્લોટ બનાવવા ૧૧ કરોડ

(2:50 pm IST)