Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

હેમચંદ્રાચાર્ય ભરતીમાં ખુદ ભૂતપૂર્વ સૈનિકને જ અન્યાય

ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સત્તાધીશોને રજૂઆત : ભરતી પ્રક્રિયામાં પૂર્વ સૈનિકો માટેની અનામતની જોગવાઇ અંગેના ઠરાવનું ઉલ્લંઘન : અન્યાયને લઇને ભારે હોબાળો

અમદાવાદ,તા. ૫ : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જુનીયર કલાર્કની ભરતી પ્રક્રિયામાં ખુદ રાજયના એક નિવૃત્ત સૈનિકને જ અન્યાય થતાં તેમણે ન્યાય માટે રાજયના ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સત્તાવાળાઓને પત્ર પાઠવી રજૂઆત કરી ગુહાર લગાવી છે. બીજીબાજુ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ખુદ નિવૃત્ત સૈનિક સાથે આ પ્રકારના અન્યાયપૂર્ણ વ્યવહારને લઇ શિક્ષણજગતમાં પણ ભારે ટીકા થઇ રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઓમપ્રકાશ સતનારાયણસિંહ ચૌહાણ નામના નિવૃત્ત સૈનિકે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જુનીયર કલાર્કની ભરતીની જાહેરાત અનુસંધાનમાં એપ્લાય કર્યું હતું અને તા.૨૨-૧૨-૨૦૧૯ના રોજ તેની લેવાયેલી લેખિત પરીક્ષામાં પણ તેઓ બેઠા હતા. જો કે, તેના પરિણામની જાણ આ નિવૃત્ત સૈનિકને યુનિ. સત્તાવાળાઓ દ્વારા કરાઇ ન હતી, જેથી તેમણે યુનિ.ના કુલપતિને આવેદનપત્ર આપતાં તા.૧૨-૩-૨૦૨૦ના રોજ તેમને ઉપરોકત પરીક્ષામાં ૪૪.૭૫ ગુણ મળ્યા હોવાનું જણાવાયું હતું.

          એ પછી તા.૨૧-૩-૨૦૨૦ના રોજ ૧૭ જેટલા ઉમેદવારોને જુનીયર કલાર્ક તરીકે નિમણૂંક આપી દેવાઇ હતી પરંતુ તેમાં આ નિવૃત્ત સૈનિકનો સમાવેશ કરાયો ન હતો. માજી સૈનિક દ્વારા યુનિ.ના કુલપતિનું ધ્યાન દોરાયું કે, સરકારના જીએડીના તા.૪-૩-૧૯૭૫ના સંબંધિત ઠરાવ મુજબ, સરકારની કોઇપણ ભરતીમાં એકંદરે ૧૦ ટકા અને ૨૦ ટકા જગ્યાઓ વર્ગ-૩ અને ૪માં માજી સૈનિકો માટે અનામત રાખવાની સ્પષ્ટ જોગવાઇ છે  પરંતુુ ઉપરોકત જાહેરાતમાં એક પણ માજી સૈનિકની નિમણૂંક કરાઇ નથી. પ્રસ્તુત કેસમાં માજી સૈનિક માટે અનામત અંગેના ખુદ સરકારના જજ ઠરાવનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરાયુ છે અને માજી સૈનિકોને મળતી છૂટ અને રાહતને નેવે મૂકીને સમગ્ર ભરતી પ્રક્રિયા આચરાઇ હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવાયો હતો. માજી સૈનિક ઓમપ્રકાશ ચૌહાણ દ્વારા ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સત્તાવાળાઓને ઉગ્ર રજૂઆત કરતાં જણાવાયું છે કે, એક સૈનિક જયારે વતન માટે પોતાની ફરજ બજાવી સેવાનિવૃત્ત થઇ વતન પરત ફરે છે ત્યારે પોતાની મહેનતથી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હોવાછતાં અને સરકારના ઠરાવ મુજબ, માજી સૈનિકની અનામત જગ્યા હોવાછતાં તેમને ભરતીમાં આટલો ગંભીર અન્યાયનો ભોગ બનવુ પડે તે આઘાતજનક અને નિંદનીય ઘટના કહી શકાય. આ સંજોગોમાં સરકારના ઠરાવનું પાલન કરી તેમને સત્વરે ન્યાય અપાવવા માજી સૈનિક દ્વારા ગુહાર લગાવવામાં આવી છે.

(10:15 pm IST)