Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વસ્ત્રાપુર : છત પર કેરમ રમતા ચાર લોકોની કરાયેલી ધરપકડ

લોકડાઉનમાં ડ્રોનની મદદથી લોકોની ધરપકડ : લોકડાઉનના ઉલ્લંઘન બદલ પોલીસની આકરી કાર્યવાહી વારંવારની તાકીદ છતાં ભેગા થતા લોકોને સંદેશ અપાયો

અમદાવાદ,તા. ૫ :  રાજ્યભરમાં નોવેલ કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં વાયરસથી સંક્રમિત થવાના કેસો વધતા અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉનનો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ડ્રોન કેમેરાથી સોસાયટીઓ અને મહોલ્લામાં એકઠા થતા લોકો પર નજર રાખી રહી છે. સાથે જ રોડ પર નજરે પડ્યા તો પણ ગુનો નોંધવાની કામગીરી પોલીસ દ્વારા ચાલી રહી છે ત્યારે અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસી કેરમ રમતાં ૪ શખ્સની ધરપકડ કરી છે. પોલીસે પહેલેથી જ સોસાયટી કે એપોર્ટમેન્ટના પાર્કિંગ, કોમન પ્લોટ, ધાબા કે પ્રાંગણમાં જમા નહી થવા કડક તાકીદ કરી હોવાછતાં લોકો તેનું પાલન નથી કરી રહ્યા ત્યારે પોલીસ હવે ડ્રોનની મદદથી લોકોને રંગેહાથ ઝડપી રહી છે. એક તરફ અમદાવાદ પોલીસ રોડ પર પેટ્રોલિંગ અને ચેકિંગ કરીને નજર રાખી રહી છે.

          તો બીજી તરફ ડ્રોન અને સીસીટીવી ફુટેજથી પણ નજર રાખી રહી છે. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટ પાસે પોલીસ ડ્રોન ઉડાડી તપાસ કરતા ફ્લેટના ધાબા પર ચાર લોકો કેરમ રમતા દેખાયા હતા. જેથી પોલીસે ઓળખ કરી કૃણાલ, જયનીત ગોસ્વામી, ધૈર્ય શાહ અને હર્ષ નામના વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. અમદાવાદમાં લોકડાઉનનાં કડક અમલીકરણ માટે શહેર પોલીસ રોડ પર ઉતરી આવી છે. અમદાવાદ શહેરને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસે બેરીકેટ લગાવી કિલ્લાબંધી કરાઈ છે.

          તો સાથે પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, ખાનગી ટુ વ્હીલર, ફોર વ્હીલર પર બહાર નીકળી શકશે નહિ. કારણ વગર બહાર નીકળતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી થશે. બિનજરૂરી વાહન લઈ ફરનારા ચાલકોના વાહનો ડિટેઇન કરવામાં આવશે. આવશ્યક ચીજ વસ્તુઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઓન ડ્યુટી સરકારી કર્મચારી અને દુધ તથા શાકભાજી અને કરિયાણુ લેવા માટે જતા લોકોને છુટ આપવામાં આવી છે. જો કે, લોકડાઉનનો બિનજરૂરી કે વાહિયાત કારણોને લઇ ઉલ્લંઘન કરતા તત્વોને કોઇપણ રીતે બક્ષવાના મૂડમાં નથી તે સ્પષ્ટ સંદેશો પોલીસ સાથે સાથે આપી રહી છે.

(10:14 pm IST)