Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

અમદાવાદ શહેરમાં લોકલ ટ્રાન્સમિશન દ્વારા કેસ વધ્યા

માત્ર ૧૭ દિવસમાં શહેરમાં ૫૩ કેસ, પ મોત : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ૨૫થી વધુ કેસો થયા

અમદાવાદ,તા.૫ : કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં ૬૦ ટકા લોકલ ટ્રાન્સમિશનના છે. તેમાં પણ અમદાવાદમાં તો સૌથી વધુ કોરોનાના લોકલ ટ્રાન્સમિશન છે, અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવના ૫૩ કેસમાંથી ૨૫ લોકલ ટ્રાન્સમિશનના છે. ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા કુલ ૧૧ માંથી ૭ લોકલ ટ્રાન્સમિશનના કેસ હતા. આમ, અમદાવાદમાં કોરોના વાયરસ લોકલ ટ્રાન્સમીશનના માધ્યમ દ્વારા ખૂબ જ ઝડપથી અને ચેપી રીતે ફેલાઇ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની શરૂઆત તા.૨૦ માર્ચથી થઈ છે. જમાલપુર વિસ્તારમાં રહેતા પતિ-પત્ની જેઓ મક્કા મદીના જઈને પરત આવ્યા હતા અને લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં તા.૨૦ માર્ચે બંનેના કેસ પોઝિટિવ આવ્યા હતા. એ પછી તા.૨૧ માર્ચે આસ્ટોડિયા વિસ્તારમાં રહેતી અને મક્કા મદીના જઈને આવેલી ૮૫ વર્ષની વૃદ્ધા હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ બંનેની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી હતી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

             તો, તા.૨૩ માર્ચ બાદ ગોમતીપુરમાં પુરુષ અને શાહઆલમ વિસ્તારમાં પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આ બંને લોકોને ચેપ ક્યાંથી લાગ્યો તેની કોઈ હિસ્ટ્રી આરોગ્ય વિભાગને મળી નથી. બંને કોને મળ્યા હતા તેની તપાસ કરવામાં આવી હતી. શાહપુરમાં રહેતા વ્યક્તિ ઇન્ડોનેશિયા સહિત દેશોમાં અને અન્ય રાજ્યમાં જઈને આવ્યા હતા અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તા.૬ માર્ચે ઉદેપુર જઈને પરત આવેલા કાલુપુરમાં વ્યક્તિએ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન પૂર્ણ કર્યો હતો બાદમાં લક્ષણ આવતા રિપોર્ટ કરાવ્યો હતો અને તેઓને કેસ પોઝિટિવ આવ્યો હતો. તા.૨૦ માર્ચે બાપુનગરમાં રહેતા ઝુબેર પઠાણ સાળાને મળવા ઇન્દોર  ગયા હતા. તા.૨૪ માર્ચે કાર લઈ પરત આવ્યા હતા. તેઓને ટેસ્ટ કરાવતાં પોતાનો, પત્ની અને પુત્રનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ પહેલા તેમના ઉપરના માળે રહેતા ભત્રીજાને પણ ચેપ લાગતા તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત બાપુનગરના જ એક વ્યક્તિ બોડકદેવમા એક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમ્યાન તા.૩ એપ્રિલે કાલુપુરમાં માતાવાળાની પોળમાં રહેતા એક જ પરિવારના ૭ વર્ષની બાળકી સહિત ૪ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે જમાલપુરની એક યુવતીને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કાલુપુર અને જમાલપુરની યુવતીના કેસમાં ચેપ ક્યાંથી લાગ્યો તેની હિસ્ટ્રી મળી નથી.

(10:13 pm IST)