Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર રાજ્યમાં દિપ પ્રગટાવાયા

ફટાકડા ફોડાયા, જોરદાર શંખનાદ, ભવ્ય ઉજવણી : લોકોએ ઘરમાં દિપ પ્રગટાવ્યા : ટોર્ચ તેમજ મોબાઇલોની ફ્લેશ લાઇટો જલાવાઈ : લોકોએ પાળેલા તમામ નિયમો

અમદાવાદ, તા. ૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર આજે રવિવારે રાત્રે નવ વાગ્યાના ટકોરે દિપ પ્રગટાવવા, ટોર્ચ જલાવવા અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચલાવવાનો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ સહિત રાજ્યભરમાં તમામ લોકો આમા જોડાયા હતા અને નવના ટકોરે તમામ લોકોએ તેમના ઘરોમાં તમામ લાઇટો બંધ કરી હતી અને મોદીની અપીલ મુજબ જ નવ મિનિટ સુધી દિપ પ્રગટાવવામાં આવ્યા હતા. ઘણા લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ જલાવી હતી જ્યારે ઘણા લોકોએ ટોર્ચ જલાવીને મોદીની અપીલને સમર્થન આપ્યું હતું. અમદાવાદમાં ચારેબાજુ નવ વાગ્યાના ટકોરે તમામ ઘરોમાં લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. તમામ સૂચનો પાળવામાં આવ્યા હતા. મોદીએ સૌથી પહેલા જનતા કર્ફ્યુની લોકોને અપીલ કરી હતી જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ આજે ફરી એકવાર રાત્રે નવ વાગ્યાના ટકોરે દિપ પ્રગટાવવા માટેની અપીલ મોદી દ્વારા કરવામાં આવી હતી જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી.

          તમામ જગ્યા પર લોકોએ દિપ પ્રગટાવ્યા હતા અને પોતાના ઘરના દ્વાર પર, બાલ્કનીમાં લોકો દેખાયા હતા અને નવ મિનિટ સુધી દિપ પ્રગટાવી, ટોર્ચ જલાવી કોરોનારુપ અંધકાર સામે સીધીરીતે પડકાર ફેંક્યો હતો. ગુજરાતમાં કોરોનાના કેસો પણ ચિંતાજનકરીતે વધી રહ્યા છે ત્યારે પ્રકાશની તાકાતનો પરિચય કરાવવા માટે મોદીએ લોકોને રવિવારે રાત્રે નવ વાગે દિપ પ્રગટાવવા માટે અપીલ કરી હતી જેની સીધી અસર લોકોએ દર્શાવીને તેનું પાલન કર્યું હતું. આજે સવારે પણ ટ્વિટ કરીને મોદી દિપ પ્રગટાવવા માટે લોકોને યાદ અપાવી હતી. નવ વાગ્યા પહેલા જ લોકો દિપ પ્રગટાવવાની શરૂઆત કરી દીધી હતી. લોકો આના માટે પહેલાથી જ તૈયાર હતા. સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યા હતા.

          અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા નારણપુરા, શાહપુર, દિલ્હી દરવાજા, શાહીબાગ, થલતેજ, મણિનગર સહિતના વિસ્તારોમાં લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપીને દિપ પ્રગટાવીને કોરોનાને પડકાર ફેંક્યો હતો. ૨૧ દિવસનો લોકડાઉનનો ગાળો હાલ ચાલી રહ્યો છે. ૧૪મી એપ્રિલ સુધી આ ગાળો ચાલનાર છે. લોકો ઘરમાં છે ત્યારે વારંવાર કોરોને પડકાર ફેંકવા માટે મોદીના સૂચનો પાળવામાં આવી રહ્યા છે. જનતા કર્ફ્યુના દિવસે લોકોએ સાંજે પાંચ વાગે પાંચ મિનિટ માટે કોરોના સામે લડી રહેલા લોકોનો આભાર માનવા તાળી અને થાળી વગાડી હતી અને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. જો કે, એ વખતે નિયમોના ભંગ થયા હતા પરંતુ આજે લોકોએ તમામ નિયમો પાળ્યા હતા. મોદીની અપીલ પર મોડી સાંજે તમામ લોકોએ દિપ પ્રગટાવવાની સાથે સાથે અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો. ઘણી જગ્યાએ શંખનાદ થયા હતા.ઘણી જગ્યાએ ફટાકડા પણ ફોડ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મંત્રીઓ પણ આ અપીલમાં જોડાયા હતા.

(10:11 pm IST)