Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ટ્રક અને બાઇક સામસામે અથડાતાં બે યુવકોનાં મોત

બનાસકાંઠામાં ટ્રક અને બાઇક સામસામે અથડાયા : બાઇક સવાર ત્રીજા યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલમાં ખસેડાયો

બનાસકાંઠા,તા.૫ : સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતના એક બનાવમાં બે યુવકોનાં મોત થયા છે. ભાભરના કુવાળા હાઇવે પર પૂર ઝડપે આવી રહેલા ટ્રકના અડફેટે આવી જતાં બાઈક સવાર બે યુવાકોનાં ઘટના સ્થળે કરુણ મોત થયા છે. બાઇક સવાર અન્ય ત્રીજા યુવાનને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે ભાભર રેફરલ હૉસ્પિટલ, ભાભર ખાતે ખસેડાયો છે. મળતી માહિતી પ્રમાણે ભાભરના કુવાળા હાઇવે પર ટ્રક અને બાઈક સામસામે ટકરાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોનાં કરુણ મોત નિપજ્યાં છે. ઠાકોર સમાજના ત્રણ યુવકો બાઈક લઇને કુવારા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકની ટક્કર મારતા અકસ્માત થયો હતો.

           ધડાકાભેર ટક્કર બાદ બાઈક પર સવાર ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાંથી બે યુવકનાં ઘટનાસ્થળે કરુણ મોત નિપજયા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ભાભરથી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન અને આજુબાજુના લોકો અકસ્માત સ્થળે આવી પહોંચ્યા હતા. લોકોએ રાહત કામગીરી શરૂ કરીને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભાભર રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવને પગલે ભાભર પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાંખસેડી હતી. જ્યારે ટ્રક ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોનાં મોત થતાં ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા બે યુવાનો આજે પોતાની નોકરી માટેના ઈન્ટરવ્યૂ માટે પોતાની બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન ઉધના નજીક એક ટેમ્પો સાથે યુવાનોની બાઇક ધડકાભેર અથડાતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બીજી તરફ બાઇક પાછળ સવાર યુવાનને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા પરિવાર બનાવ સ્થળે દોડી ગયો હતો.

(8:32 pm IST)