Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વિજાપુર તાલુકાના જુના સંઘપુર નજીક જેસીબીના ચાલકે કાબુ ગુમાવતા બાઇકને ઉડાવી દેતા પિતા-પુત્રએ ઘટનાસ્થળેજ દમ તોડતા પરિવારની માથે આભ ફાટ્યું

વિજાપુર:તાલુકાના જુના સંઘપુર ગામમાં એક જેસીબીના ચાલકે કાબુ ગુમાવતાં ઢાળ ઉપર રગડતાં પાછળ આવી રહેલ મોટરસાયકલને અડફેટમાં લીધી હતી. જેમાં વજાપુર ગામના બાઈક સવાર પિતા-પુત્રનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાથળ ઉપર મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે માસુમ બાળક સાથે બે વ્યક્તિઓના મોતથી વજાપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

વિજાપુર તાલુકાના વજાપુર ગામના ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ભગાભાઈ ત્રિકમદાસ પટેલના દીકરા રાજેન્દ્રભાઈ સાંજના સુમારે નજીક આવેલા સંઘપુર ગામે દૂધ સહકારી મંડળીમાં પોતાનું દૂધ ભરાવવા મોટરસાયકલ ઉપર તેમના દીકરા રૂદ્રને બેસાડી જઈ રહ્યા હતા. મંડળીમાં દૂધ ભરાવ્યા બાદ તેઓ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે સંઘપુર ગામમાં દૂધ મંડળીથી રાઠોડવાસ તરફ જતા આરસીસી રોડ પરની ઢાળમાં આગળ જઈ રહેલ જેસીબીના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેથી જેસીબી ઢાળમાં પાછળની તરફ રગડતાં પાછળ આવી રહેલા મોટરસાયકને ધડાકાભેર ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં રાજેન્દ્ર પટેલ અને તેમના દીકરા રૂદ્ર જેસીબીના ટાયર નીચ ેકચડાતાં માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળ ઉપર બન્નેના મોત થયા હતા. અકસ્માત સર્જાયા બાદ જેસીબી ચાલક ત્યાંથી નાસી છુટયો હતો. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અંગે વિજાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

(6:17 pm IST)