Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સુરત:કેનેડા સહીત યુરોપમાં નોકરીની લાલચ આપી ફેક વિઝા પકડાવી 60 હજાર પચાવી પાડનાર વરાછાના યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

સુરત:કેનેડા અને યુરોપમાં નોકરીની લાલચ આપી રૂા. 60 હજાર પડાવી લઇ ફેક વિઝા પકડાવી વિશ્વાસઘાત કરનાર મોટા વરાછાના યુવાન વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
વરાછા એલ.એચ. રોડની રંગ અવધૂત સોસાયટીમાં રહેતા અને થ્રી વ્રજેશ્વર લેસ નામે લેસ પટ્ટીનો ધંધો કરતા વિનોદ કાનજી ડોબરીયા (ઉ.વ. 47 મૂળ રહે. કેશોદ, જિ. જુનાગઢ) અને તેના હમવતની મિત્ર જયેશ જશમતભાઇ રાંકએ વિદેશમાં નોકરી મેળવવા ફેબ્રુઆરી 2020માં આદમ મોહમંદ ઇરફાન ઇસ્માઇલ (ઉ.વ. 45 રહે. 214, જાદવત ફળીયું, મોટા વરાછા) નો સંર્પક કર્યો હતો. ઇરફાને કેનેડા અને યુરોપમાં સારા પગારની નોકરી અપાવવાનું કહી વિઝા, રહેવા, જમવા અને ટિકીટના ખર્ચ સહિત વ્યક્તિદીઠ રૂા. 4.50 લાખનો ખર્ચ થશે એમ કહી બેથી ત્રણ વ્યક્તિના વિઝા અને જોબ ઓફર લેટર બતાવ્યા હતા. ઇરફાને વિનોદને માસિક રૂા. 1.50 લાખના પગારની લાલચ આપી એડવાન્સ પેટે રૂા. 70 હજાર આપ્યા હતા. ત્યાર બાદ માત્ર બે દિવસમાં જ કેનેડાની વેન્ચુયરા ફુડ્સ કંપનીનો જોબ ઓફર લેટર વ્હોટ્સ અપ પર મોકલાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ લોક્ડાઉન શરૂ થતા ઇરફાને કેનેડામાં વિઝાનું કામ અટકી ગયું છે એમ કહી યુરોપના વિઝા અપાવવાનું કહી બીજા દિવસે જ યુરોપના લક્ઝમબર્ગ નામના દેશનો વિઝા લેટર વ્હોટ્સ અપ કર્યો હતો. ગણતરીના કલાકોમાં વિઝા મળી જતા વિનોદે દિલ્હી ખાતે લક્ઝમબર્ગ દેશની એમ્બેસીમાં તપાસ કરતા વિઝા ફેક હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વિનોદે અમરોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરતા ઇરફાને રૂા. 10 હજાર રોકડા ચુકવી દીધા હતા અને બાકી રકમનો ચેક આપ્યો હતો. પરંતુ ચેક રિટર્ન થયો હતો અને ઇરફાને તમારાથી જે થાય તે કરી લો, હવે હું એક પણ રૂપિયો આપવાનો નથી એમ કહેતા છેવટે વિનોદે ઠગાઇની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી.એ. ડોડીયાએ ઇરફાનની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

(6:15 pm IST)