Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સુરત કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગનો સપાટોઃ ફાયર સેફટી વગરની 20 હોસ્‍પિટલો-5 સ્‍કૂલો અને એક કોમર્શિયલ કોમ્‍પલેક્ષ સીલ

સુરત: સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ વિના ચાલતી હોસ્પિટલો અને શૉપિંગ કોમ્પેલેક્સ પર કાર્યવાહી કરીને તેમને સીલ મારવાની કામગીરી હાથ ધરતા વેપારીઓ અને ડોક્ટરોમાં ફફટાટ ફેલાયો છે.

સુરત ફાયર વિભાગે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટિ અંગે અગાઉથી નોટિસ આપી હતી. આમ છતાં સુરત મનપાના ફાયર વિભાગની નોટિસને નજર અંદાજ કરીને આવા એકમોએ ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવી નહતી. જેના પગલે આજે વહેલી સવારથી ફાયર વિભાગની ટીમે વિવિધ ઠેકાણે પહોંચીને તપાસ આદરી હતી. જેમાં ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતી 20 હોસ્પિટલો, 5 સ્કૂલો અને 1 કોમર્શિયલ કોમ્પેલેક્સને સીલ મારવામાં આવ્યું હતું.

ક્યાં-ક્યાં સીલ મારવામાં આવ્યા?

શહેરની આસ્થા હોસ્પિટલ, જ્યોતિ હોસ્પિટલ, રોહિત હોસ્પિટલ, સિટી હોસ્પિટલ, સગરામપુરામાં આવેલી સ્મોલ હોસ્પિટલ, મજૂરાગેટની પ્રિઝમા હોસ્પિટલ, સોની ફળિયામાં આવેલી રૂપલ હોસ્પિટલ, ભગત તળાવ નજીક આવેલ SMV હોસ્પિટલ, સૈયદપુરામાં આવેલ જીનવાલા હોસ્પિટલ ઉપરાંત શ્રી રામ કુંવર બા વિદ્યાલય અને ગ્યાનોદય વિદ્યાલય (ગોદાડરા) અને રાજ કોર્નર કોમર્શિયલ કોમ્પલેક્સમાં આવેલ 420 દુકાનોને સીલ મારવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અમદાવાદમાં શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. જેમાં અનેક દર્દીઓ જીવતા ભડથૂ થઈ ગયા છે. આવી જ રીતે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં પણ આગ લાગતા 6 દર્દીઓના મોત થયા હતા. આ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાયર NOCને લઈને રાજ્ય સરકારને ટકોર કરી હતી. જે બાદ હરકતમાં આવેલા વહીવટી તંત્રએ ફાયર NOC વિના ચાલતી હોસ્પિટલોને નોટિસ આપીને કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

(5:39 pm IST)