Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઇવીએમમાં ટેક્‍નીકલ ખામીના કારણે ચૂંટણી પંચ દ્વારા પુનઃ મતદાન બાદ ગણતરી કરતા સિહોલ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય

ગાંધીનગર: આણંદ જિલ્લા પંચાયતની સિહોલ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. સિહોલ 35 બેઠકના બોરિયા-1 બૂથમાં કોંગ્રેસના ઉમેદવારની 491 મતે જીત થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર કોકિલાબેન 9,285 મત સાથે વિજેતા બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે મત ગણતરી સમયે અહીં EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ચૂંટણી પંચ દ્વારા અહીં પુન: મતદાન યોજાયું હતુ. આ બૂથ પર 902 મતદાતાઓ છે, જેમણે 4 માર્ચે ફરીથી વોટિંગ કર્યું હતું. જેનું 5 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ગુરૂવારે યોજાયેલા મતદાનમાં વોટિંગ માટે લાંબી લાઈનો લાગી હતી. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં બોરિયા ગામમાં પહોંચી ગયા હતા. આ મતદાન માટે પોલીસ તરફથી પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

આણંદ જિલ્લા પંચાયતની 35-સિહોલ બેઠક પર મતગણતરી સમયે ટેક્નીકલ ખામીના પગલે EVM ખુલ્યુ જ નહતું. જેના કારણે અહીં મત ગણતરી થઈ શકી નહતી. ચૂંટણી પંચ તરફથી તપાસ બાદ EVMમાં ટેક્નિકલ ખામીની જાણ થતા પુન: મતદાન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના આદેશ મુજબ, ગુરુવારે યોજાયેલા પુન: મતદાનમાં સાંજ સુધીમાં 79 ટકા વોટિંગ થયુ હતું. જેનુ આજે પરિણામ જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

(5:38 pm IST)