Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાજયમાં ૧૫ થી ૧૭ વર્ષના તરૂણોમાં તમાકુના વ્યસનનું પ્રમાણ ૩.૫ ટકા હોવાનો ઘટસ્ફોટ

સ્કૂલો તથા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં તમાકુનું વ્યસન વધ્યું

અમદાવાદઃ રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં તમાકુનું વ્યસન વધ્યું હોવાની હકીકતો પ્રકાશમાં આવતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. રાજ્યના ૧૫થી ૧૭ વર્ષના તરૂણો પૈકી ૩.૫ ટકા તમાકુનું વ્યસન કરતા હોવાનો ધડાકો થયો છે. જેને લઈને વિભાગ દ્વારા શાળાઓમાં તમાકુના વ્યવસનને લઈને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ સ્કૂલની ૧૦૦ મિટરની ત્રિજ્યામાં કોઈ પણ તમાકુનું વેચાણ કરી શકશે નહીં. ઉપરાંત સ્કૂલમાં તમાકુનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા કોઈ પણ કાર્યક્રમ કે સ્પર્ધાનું આયોજન કરી શકાશે નહીં.

સમગ્ર વિશ્વમાં તમાકુના સેવનના કારણે થતાં રોગોને લીધે દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાંથી ૧૦ લાખ લોકો ભારતીય હોય છે. એક સર્વે મુજબ ગુજરાતમાં ૧૫થી ૧૭ વર્ષના તરૂણોમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ ૩.૫ ટકા છે. રાજ્યમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ ઘટાડવા માટે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ કાર્યરત છે. ઉપરાંત વર્ષ ૨૦૦૭-૦૮માં નેશનલ ટોબેકો કન્ટ્રોલ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે.

તમાકુ નિયંત્રણ અધિનિયમના અસરકારક અમલીકરણ માટે અને શાળા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ તમાકુની થતી આડઅસરો અને બિમારીઓ વિશે જાગૃતિ આવે તેમજ વિદ્યાર્થીઓમાં તમાકુનો ઉપયોગ અટકાવી શકાય તે હેતુથી ભારત સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડેલી છે. જે રાજ્યની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ પાડી શકાય છે.

(4:42 pm IST)