Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

૪૪૬ ખાનગી અને ૨૦ સરકારી પ્રાથમિક શાળાઓને મંજુરીઃ ગ્રાંટેબલ એકેય નહિ

૧૮૭ સરકારી તથા ૧૪૭ ખાનગી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓ મંજુર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૫ :. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ શિક્ષણ મંત્રીને પ્રાથમિક શાળાઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી ઉપલબ્ધ છે.

રાજ્યમાં ૩૦,૮૪૨ સરકારી, ૫૭૦ ગ્રાન્ટેડ અને ૧૦.૯૨૫ ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. બે વર્ષમાં રાજ્યમાં ૪૪૬-ખાનગી અને માત્ર ૨૦-સરકારી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે ગ્રાન્ટેડ એક પણ પ્રાથમિક શાળાને મંજુરી આપવામાં આવી નથી. રાજ્ય સરકાર સરકારી શિક્ષણના બદલે ખાનગીમાં મોંઘુ શિક્ષણ બાળકોને મળે અને ગરીબ વાલીઓને લાખો રૂપિયાની ફી ભરવી ન પડે તેવી નીતિ અપનાવીને બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે તેમ કોેંગ્રેસની યાદી જણાવે છે.

રાજ્યમાં ૧૩૨૬-સરકારી, ૫૧૮૧-ગ્રાન્ટેડ અને ૫૧૩૮ ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ આવેલ છે. બે વર્ષમાં રાજ્યમાં ૧૮૭-સરકારી અને ૧૪૭-ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે માત્ર બે જ ગ્રાન્ટેડ શાળાઓને મંજુરી આપવામાં આવી છે.

રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૮,૫૩૭ ઓરડાઓની ઘટ છે. સરકારે સમયાંતરે આપેલા આંકડાઓ મુજબ વિકાસના દાવાની વચ્ચે રાજ્યમાં ઓરડાઓની ઘટ બાબતે વિકાસ ગતિશીલ થયો છે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં રાજ્યમાં માત્ર ૯૯૪ ઓરડાઓ જ બનાવવામાં આવ્યા છે. જો વિકાસ આવી જ ગતિથી આગળ વધશે તો હાલના ઓરડાઓની ઘટ પુરતા જ ૧૮ કરતા વધુ વર્ષ થશે તેમજ આ સમય દરમ્યાન ખૂટતા ઓરડાઓ ઉમેરાશે તે અલગ તેમ મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યુ હતું.

(2:42 pm IST)