Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ગુજરાત સરકારે પતંગોત્સવ, રણોત્સવ સહિતનાં ઉત્સવોમાં બે વર્ષમાં 40.29 કરોડ રૂપિયા ખર્ચ્યા

પતંગોત્સવ પાછળના ખર્ચમાં ઘટાડો, રણોત્સવના ખર્ચમાં વધારો: મહોત્સવોમાં મોટેભાગે રહેવા અને જમવા અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ બતાવાયા

અમદાવાદ : ગુજરાત સરકારે નવરાત્રિ, પતંગોત્સવ અને રણોત્સવ પાછળ 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 40.29 કરોડનો ખર્ચ કર્યો છે. વર્ષ 2020માં કોરોનાને કારણે નવરાત્રિ મહોત્સવ ઉજવાયો ન હતો. જેના કારણે કોઈ ખર્ચ થયો નથી. 2019ની સરખામણીએ 2020માં પતંગોત્સવ પાછળના ખર્ચમાં ઘટાડો થયો છે. જો કે રણોત્સવના ખર્ચમાં વધારો થયો છે.

 ગુજરાત વિધાનસભામાં રાજ્યના પ્રવાસન વિભાગે કોંગ્રેસના લેખિત સવાલના જવાબમાં જણાવ્યું કે રણોત્સવ પાછળ વર્ષ 2019માં 5.12 કરોડ રૂપિયા વાપર્યા હતા. જો કે 2020માં આ ખર્ચ વધીને 8.66 કરોડ આસપાસ હતો. પતંગોત્સવમાં 2019માં 7.49 કરોડનો ખર્ચ કરાયો અને 2020માં 7.03 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

નવરાત્રિ મહોત્સવમાં 2019માં 11.97 કરોડ વાપરવામાં આવ્યા હતા. જો કે વર્ષ 2020માં કોરોનાકાળ હોવાથી રાજ્ય સરકારે નવરાત્રિ મહોત્સવનો કાર્યક્રમ રદ કર્યો હતો. મહોત્સવોમાં મોટે ભાગે રહેવા અને જમવા અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ બતાવાયા છે.

બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકાર સામે આક્ષેપો કરે છે કે સરકારે મહોત્સવો પાછળ ખોટા ખર્ચ કરે છે. તે બંધ કરવા જોઈએ. સરકાર તાયફાઓ કરે છે.

(11:29 am IST)