Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કોંગ્રેસ પક્ષ પ્રજાની સમસ્‍યાઓને હરાવવામાં તથા સરકારના અહંકારને ઓગાળવામાં સદંતર નિષ્‍ફળ નીવડયો તેનો અફસોસ ગુજરાતની તિજોરી ખાલીખમ છે, છતાં ભાજપ અડીખમ છે !

કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ જીવન જીવવા સંઘર્ષ કરી રહ્યુ હતુ ત્‍યારે કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્‍ચે ઉભો હતો અને લોકશાહીને બચાવવા લડાઇ લડી રહ્યો હતો : કોંગ્રેસ પક્ષે ખેત મજૂરોને ખેડૂત બનાવ્‍યા હતા : આજે ભાજપ સરકાર ખેડૂતોને ખેત મજદૂર બનાવવા માટે કાળા કાયદા લઇ આવી છે : પરેશ ધાનાણી

રાજકોટ,તા. ૫: રાજયપાલશ્રીના આભાર પ્રસ્‍તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજે ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપના શાસનમાં આમ જનતાને જીવન જીવવું મુશ્‍કેલ બની ગયું છે. વિતેલા વર્ષમાં કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ જીવન જીવવા સંદ્યર્ષ કરી રહ્‌યું હતું ત્‍યારે કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્‍ચે ઉભો હતો અને લોકશાહીને બચાવવા લડાઈ લડી રહ્‌યો હતો. સરદારના સંસ્‍કારોથી સિંચાયેલા ગુજરાતમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની ઉંચાઈ વિરુદ્ધ વાત નથી પણ વાસ્‍તવમાં અમે યુનિટી ઓફ ગુજરાતના નિર્માણ માટે લડી રહ્‌યા છીએ.

શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમારી લડાઈ સત્તા માટેની નહીં પરંતુ વ્‍યવસ્‍થા પરિવર્તનની હતી. પાટલી બદલાવવાની નહીં પરંતુ પરિસ્‍થિતિ બદલવાની હતી. અમારી લડાઈ વ્‍યક્‍તિગત વિરોધની નહીં પરંતુ લોકશાહી વ્‍યવસ્‍થાને બચાવવાની હતી. લડાઈ માન-સન્‍માનની નહીં પરંતુ સામાન્‍ય માણસના મતનું મૂલ્‍ય જાળવવાની હતી. કમનસીબે કોંગ્રેસ પક્ષ પ્રજાની સમસ્‍યાઓને હરાવવામાં તથા સરકારના અહંકારને ઓગાળવામાં સદંતર નિષ્‍ફળ નીવડયો તેનો ખૂબ અફસોસ છે.

વિપક્ષ નેતાશ્રીએ સરકારની નીતિરીતિ પર આકરાં પ્રહાર કરતાં જણાવ્‍યું હતું કે, આજે ગુજરાતના માથે અંદાજીત રૂ. ૩.૦ લાખ કરોડનું ભારેખમ દેવું છે. ગુજરાતની તિજોરી ખાલીખમ છે છતાં ભાજપ અડીખમ છે ! કોરોના કાળમાં ઉદ્યોગો-ફેકટરી-કારખાનાઓ બંધ થયા છે અને યુવાનોની નોકરીઓ પણ જતી રહી છે ત્‍યારે રાજયમાં પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવમાં બેફામ વધારો, સીંગતેલ સહિતના ખાદ્યતેલ અને જીવનજરૂરી ચીજવસ્‍તુઓમાં થયેલ અસહ્‌ય ભાવવધારો, વીજળી બિલમાં વધારો, મોંદ્યું શિક્ષણ અને મોંદ્યા આરોગ્‍યની સારવારમાંથી ગરીબ, સામાન્‍ય અને મધ્‍યમ વર્ગના પરિવારોને રાહત આપવી જોઈએ. કોરોના કાળમાં શિક્ષણ ફી માફ કરવા, વિનામૂલ્‍યે પ્રજાને સારવાર આપવા, ખેડૂતોની પૂરતી વીજળી અને પોષણક્ષમ ભાવ આપવા, ખાતર-બિયારણ રાહતદરે આપવા સહિતની કોંગ્રેસ પક્ષની અનેક માંગણીઓ પૈકી ભાજપ સરકારે એકપણ માંગણીનો સ્‍વીકાર કર્યો ન હતો.

રાજયમાં થઈ રહેલ ખુલ્લેઆમ ભ્રષ્‍ટાચાર, પોલીસ સ્‍ટેશનોમાં થઈ રહેલા અત્‍યાચાર, સ્‍કુલ-કોલેજ ફી માફીયા, ડ્રગ માફીયા, ખનીજ માફીયા, ભુમાફીયા, વ્‍યાંજકવાદીઓ, મિલ્‍કત માફીયાઓનો રાજયમાં રાફડો ફાટયો છે ત્‍યારે સરકારના ભ્રામક પ્રચાર વિરુદ્ધ ભયના રાજ વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ લડાઈ કરી રહ્‌યો છે. કોરોનાના કપરા કાળમાં એકતરફ મંદી-મોંદ્યવારી-બેરોજગારી વચ્‍ચે લોકોને જીવન જીવવું મુશ્‍કેલ બની ગયું છે ત્‍યારે સરકારે ઈ-મેમોના નામે ઉદ્યરાણી ચાલુ કરી છે. ભાજપ સરકાર કરોડો રૂપિયા તાયફા પાછળ ખર્ચી શકે છે પરંતુ માણસનું જીવન બચાવવા માટે પાંચ રૂપિયાનું માસ્‍ક મફતમાં આપી શકી નથી. ઉપરથી કોરોના કાળમાં માસ્‍કના નામે સવાસો કરોડ રૂપિયાનો દંડ વસુલીને ગુજરાતીઓના ખિસ્‍સા ભાજપ સરકારે ખંખેર્યા છે.

પ્રશ્નોત્તરીકાળ દરમ્‍યાન ઉપસ્‍થિત થયેલ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં વિપક્ષ નેતાશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજયમાં દિવસે ને દિવસે ખેડૂતો ખેતીવિહોણા થતા જાય છે, જેનાથી આવતા દિવસોમાં ગુજરાત અને દેશને અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડશે. નાનો ખેડૂત આજે મોંદ્યા ખાતર-બિયારણ-દવા, ખેત ઉપજ ઉપર જીએસટી, પોષણક્ષમ ભાવના અભાવે, ખેત ઉત્‍પાદન ખર્ચ વધવાના કારણે દેવાના બોજ નીચે દબાયો છે. કોંગ્રેસ પક્ષે ખેત મજૂરોને ખેડૂત બનાવ્‍યા હતા. ભાજપ સરકાર ખેડૂતોને ખેત મજદૂર બનાવવા માટે કાળા કાયદા લઈ આવી છે. ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં નાના અને સીમાંત ખેડૂતોની કુલ સંખ્‍યા જોઈએ તો અંદાજીત ૨.૭૫ લાખ જેટલી છે. સોશ્‍યલ ઈકોનોમીક સર્વે મુજબ રાજયમાં ૫૪.૪૮ લાખ ખેડૂતો નોંધાયેલા છે. તે પૈકી ૩૬ લાખ કરતાં વધુ ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે, બે એકર કરતાં ઓછી જમીન હોય તેવા ખેડૂતો છે. આવા ખેડૂતોને બચાવવા સરકાર શું પગલાં ભરવા માંગે છે ? તેવો પ્રશ્ન સરકારને કર્યો હતો.

પ્રશ્નોત્તરી કાળ દરમ્‍યાન રાજયમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો પર અંકુશ અંગેના પ્રશ્નની ચર્ચામાં પણ વિપક્ષ નેતા, ઉપનેતા સહિત કોંગ્રેસ પક્ષના સભ્‍યોએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

(11:23 am IST)