Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

દલિત - આદિવાસીઓ સંગઠનો દ્વારા 'ભારત બંધ' : બિહારમાં ટ્રેનો રોકી અને ઠેરઠેર ચક્કાજામ : અનેકની અટકાયત

લખનૌ આવતી ગંગા-ગોમતી એક્સપ્રેસ ટ્રેનને બૈરહના વિસ્તારમાં રોકી દીધી : બિહારના આરામાં ટ્રેન રોકી રહેલા ૧૦થી વધુ બંધનાસમર્થકોની અટકાયત

નવી દિલ્હી: ૧૩ પોઈન્ટ રોસ્ટરના બદલે ૨૦૦ પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માગણીના સમર્થનમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધની અસર બિહારમાં વધુ જોવા છે. બંધના સમર્થકોએ કેટલાંય સ્થળે ટ્રેનો રોકી દીધી હતી તો કેટલાંક સ્થળોએ રસ્તા પર ચક્કાજામ કરી દીધાે હતાે.

ભારત બંધને રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, વામસેફ, ભીમ આર્મી, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી સહિત કેટલાય પક્ષોનું સમર્થન પ્રાપ્ત થયું છે. રાજદ સહિત કેટલાય પક્ષના કાર્યકરો અને નેતાઓએ બંધમાં સક્રિય રીતે સામેલ થઈને રસ્તા પર ઊતરી આવ્યા છે. ભારત બંધને જિતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવામ મોરચો, સીપીઆઈ, સીપીઆઈ-એમ વગેરેનું સમર્થન છે.

આદિવાસી અને દલિત સંગઠનોએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ભરતીમાં ૧૩ પોઈન્ટ રોસ્ટરના સ્થાને ૨૦૦ પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માગણી કરી છે. આ ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક રીતે ભેદભાવનો સામનો નહીં કરનારા સવર્ણોને ૧૦ ટકા અનામત આપવામાં આવી છે તેવી પણ માગણી કરી છે. ૨૦ લાખ આદિવાસી પરિવારોને વનભૂમિમાંથી વિસ્થાપિત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને સંપૂર્ણપણે રદ કરવા માટે વટહુકમ લાવવા માગણી કરી છે.

આજે સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ અલ્હાબાદથી લખનૌ આવતી ગંગા-ગોમતી એક્સપ્રેસ ટ્રેનને બૈરહના વિસ્તારમાં રોકી દીધી હતી. એ જ રીતે બિહારના આરામાં ટ્રેન રોકી રહેલા ૧૦થી વધુ બંધના સમર્થકોની પોલીસે ધરપકડ કરી હતી. બંધના સમર્થકો આજે જ્યારે ટ્રેન રોકવા માટે રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે જીઆરપી અને આરપીએફએ તેમની અટકાયત કરી હતી.

(9:49 pm IST)