Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

જૂનાગઢના વિપુલે SPGના ૮ અને CISFના અડધો ડઝન કાર્ડ કોઈ મિશન માટે બનાવ્યા કે શું ?

એરપોર્ટ પરથી સિકયુરીટી ચેકીંગમાં ઝડપ કરનાર યુવાન અને નકલી એસપીજી અધિકારી વચ્ચે કોઈ કનેકશન છે કે શું ? આંખની તકલીફને કારણે ફોર્સમાં ન જોડાઈ શકતા બનાવટ કર્યાની વાત ખરી કે પછી પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે તાર જોડાયા છે ?: અધધધ કાર્ડ બનાવવા પાછળ કોઈ ઉંડુ રહસ્ય ? કાર્ડ બનાવવામાં કોને મદદ કરી ? એરગન અને છરાનો ઉપયોગ કયાંય થયો છે કે કેમ ? અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એસીપી ભગીરથસિંહ ગોહિલ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૫ :. વડાપ્રધાનના બે દિવસના ગુજરાત (અમદાવાદ)ના પ્રવાસ સંદર્ભે તાજેતરની અઘોષીત યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે દિલ્હીથી ટોચની તપાસ એજન્સીઓ તથા સ્થાનિક પોલીસ દ્વારા સંકલન સાધી ગોઠવાયેલ કડક ચેકીંગને પગલે અમદાવાદની રાયપુર વિસ્તારની સ્વાગત હોટલમાંથી મૂળ જૂનાગઢના યુવકની બનાવટી એસપીજીના પીએસઆઈના નકલી કાર્ડ સાથે ધરપકડ કરવાનો મામલો હવે ક્રાઈમ બ્રાંચને સુપ્રત થતા જ ક્રાઈમ બ્રાંચ દ્વારા એસપીજીના નકલી પીએસઆઈ બનીને આવેલ વિપુલ રાજશીભાઈ ગોહેલનું ખરેખર તે જ નામ છે કે બીજું ? પ્રાથમિક પુછપરછ દરમિયાન તેણે આંખની તકલીફને કારણે ફોર્સમાં જોડાઈ ન શકયો તે સહન ન થતા ઘરના લોકોને ખોટુ બોલી પોતે સર્વિસમાં હોવાનું જણાવ્યુ છે તે બાબત ખરી છે કે પછી અન્ય બાબત છે ? તેનુ રહસ્ય શોધવા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના એસીપી ભગીરથસિંહ વી. ગોહિલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

અત્રે યાદ રહે કે, વડાપ્રધાનના આગમનને કારણે હોટલો, ગેસ્ટહાઉસ તથા અન્ય શંકાસ્પદ વ્યકિતઓને ચેકીંગ દરમિયાન વિશેષ સુરક્ષા દળનો ફોટો લગાવેલ ઓળખકાર્ડ સાથે વિપુલ રાજશીભાઈ ગોહેલ નામનો શખ્સ શંકાના ઘેરામાં આવ્યો હતો. મૂળ જૂનાગઢના આ વતનીએ શરૂઆતમાં તો પોતે એસપીજીનો અધિકારી હોવાનું રટણ કરેલ પરંતુ એસપીજીના અધિકારીઓની રહેઠાણ વ્યવસ્થા પોલીસ દ્વારા થઈ હોવાથી તેનુ જુઠાણુ ટકયુ ન હતું. બનાવની ગંભીરતા સમજી તાત્કાલીક ક્રાઈમ બ્રાંચને જાણ થતા તેઓએ કબ્જો સંભાળી લીધો હતો. જો કે આ મામલે થોડો વિવાદ જેવુ થતા ફરીયાદી તરીકે કાગડાપીઠ પોલીસ મથકના પીઆઈનું નામ રાખવામાં આવ્યુ હતું. આરોપી વિપુલ પાસેથી મસ્કતી માર્કેટમાંથી ખરીદેલ એરગન અને ૧૦ છરા મળ્યા છે. વિપુલના મિત્રો અને ગામના મોટાભાગના યુવકો સીઆઈએસએફમા છે. વિપુલ સિલેકટ થયો ન હોવાથી બનાવટી કાર્ડ બનાવી ફરતો હતો.

નકલી એસપીજી અધિકારી વિપુલ પાસેથી એસપીજીના ૮ આઈકાર્ડ અને સીઆઈએસએફના ૬ બનાવટી આઈકાર્ડ મળી આવ્યા છે. આમ તેણે આટલા બધા કાર્ડ કઈ રીતે બનાવ્યા ? તેને કોણે મદદ કરી ? આ કાર્ડ લઈ કઈ - કઈ જગ્યાએ ગયો હતો ? આ યુવક પાછળ પાકિસ્તાની જાસૂસ સંસ્થા આઈએસઆઈ વિગેરેનો હાથ નથીને ? તે બાબતોની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. અત્રે યાદ રહે કે, વાયબ્રન્ટ સમીટ દરમિયાન પણ એક શખ્સ શંકાસ્પદ ગોલ્ડ પાસ સાથે ઘુસ્યો હતો. જો કે પ્રાથમિક પુછપરછ બાદ મામલાની ગંભીરતા જણાઈ નહોતી. યોગાનુયોગ એરપોર્ટ પર ઝડપથી સિકયુરીટી ચેકીંગ કરાવવા માટે કસ્ટમ સ્ટાફ સાથે ઝઘડો કરનાર એક શખ્સ પણ ઝડપાયો છે. તેનુ કનેકશન આ યુવક સાથે તો નથી ને? તે બાબતે પણ તપાસ ચાલુ છે.

(11:48 am IST)