Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડોદરા : ડોકટરની બેદરકારીથી દર્દીનું મોતઃ વ્યાજ સાથે ૨ લાખનું વળતર આપવા આદેશ

ઓપરેશન ૧૭ કલાક સુધી દર્દી બેભાન રહ્યા બાદ મોત થયુ'તું

વડોદરા તા. ૫ : વડોદરાના ડોકટરની બેદરકારીના લીધે દર્દીનું મૃત્યુ થઈ જતા ગુજરાત સ્ટેટ કન્ઝયુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશન (GSCDRC)એ મૃતક દર્દીના સગાને વળતર ચૂકવવા માટે આદેશ આપ્યો છે. કમિશનના ઓર્ડર મુજબ વડોદરાના બરોડા નર્સિંગ હોમના ડો. સતિશ શાહે મૃતક દર્દી રાધાવલ્લભ અગ્રવાલના પરિવારજનોને ૨ લાખ રૂપિયા સહિત વર્ષ ૨૦૦૦થી ૯ ટકાના લેખે વ્યાજ ચૂકવવા આદેશ કર્યો છે.

કેસની ડિટેઈલ મુજબ, ડો. શાહે ૧૪ ઓગસ્ટ ૨૦૦૦માં રાધાવલ્લભનું ઓપરેશન કર્યું હતું. તેઓ પ્રોસ્ટેટ ગ્રંથિની સમસ્યા સામે ઝઝુમી રહ્યા હતા. સર્જરી પહેલા ડો. શાહે રાધાવલ્લભનું ચેકિંગ કરીને ઓપરેશન માટે ફિટ હોવાનું જાહેર કર્યું હતું. સર્જરી બાદ રાધાવલ્લભ બેભાન થઈ ગયા. તેમનું પેટ ફુલાઈ ગયું હતું અને બ્લીંડીંગ થઈ રહ્યું હતું. ૧૭ કલાક સુધી બેભાન રહ્યા બાદ અંતે તેમનું મૃત્યુ થઈ ગયું. આ બાદ રાધાવલ્લભનો પરિવાર ગ્રાહક કોર્ટમાં ગયો અને વળતરની માગણી કરી.

વર્ષ ૨૦૧૨માં વડોદરા ગ્રાહક કોર્ટે ડો. શાહને ૨ લાખ રૂપિયા મૃતક દર્દીના પરિવારને આપવા માટે કહ્યું. ડોકટરે બેદરકારીની વાતને નકારી કમિશન સમક્ષ આ આદેશને પડકાર્યો હતો. જોકે તે રાધાવલ્લભના પરિવારજનો તેમને લઈ ગયા હતા તેવા દાવા સાથે પેપર રજૂ કરી શકયા નહી.

કમિશને કહ્યું કે, ડોકટરે મેડિકલ પેપર્સ સપ્લાય કર્યા નથી અને આ દર્શાવે છે કે તેઓ માહિતીને લોકો સુધી પહોંચવાથી દબાવવા માગે છે. જયારે કમિશન આ કેસમાં બેદરકારી જોઈ શકે છે તો કોઈ એકસપર્ટ સલાહની જરૂર નથી. રાધાવલ્લભની આવક નિશ્યિત ન હોવાથી ડોકટરે તેના પરિવારજનોને મળેલા દર્દ અને પીડા માટે ૨ લાખ રૂપિયા ચૂકવવા જોઈએ.

(10:20 am IST)