Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વિધાનસભાની ચૂંટણીના પરિણામો રાજ્યસભામાં ભાજપનું ગણિત ઉંધુ વાળશે ?

ગાંધીનગરઃ 23મી માર્ચના રોજ રાજ્યસભાની 58 બેઠકોની ચૂંટણી થવાની છે, જેમાંથી ચાર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની બેઠકો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોને રાજ્યસભામાં બે સીટ મળશે. ગુજરાતની 2012ની ચૂંટણીમાં ભાજપની વિધાનસભા બેઠકો 115 હતી જે ઘટીને 99 થઈ છે, જ્યારે કોંગ્રેસની બેઠકો 60થી વધીને 77 થઈ છે. રાજ્યસભામાં ગુજરાતના સભ્યો અરુણ જેટલી, પરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા છે, જે મિનિસ્ટર્સ છે. જ્યારે ચોથા સભ્ય શંકરભાઈ વેગટ OBC નેતા છે.

ચારમાંથી બેની પસંદગી પાર્ટી માટે મુશ્કેલ હશે. વિધાનસભાના એક અધિકારીએ જણાવ્યું કે, ભાજપ પાસે 99 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 77 છે. રાજ્યસભાના નિયમ અનુસાર, એક ઉમેદવારને 38 વોટ્સની જરુર પડશે. માટે બન્ને પાર્ટી બે-બે સીટની આશા રાખી રહી છે. ધારાસભ્યોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે રાજ્યસભાની બે સીટ ભાજપ પાસેથી લઈ શકે છે.

અમારી પાસે પૂરતા વોટ્સ છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીના સૂત્રએ જણાવ્યું કે, ગુજરાત કોંગ્રેસ પ્રેસિડન્ટ ભરતસિંહ સોલંકી અને અન્ય નેતાઓ જે વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા છે, જેમ કે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી આ સીટની રેસમાં છે. રાજ્યસભાની બેઠક માટેના ઉમેદવારોનો અંતિમ નિર્ણય દિલ્હીમાં પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા લેવામાં આવશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ માટે બે ઉમેદાવરોને બાદ કરવા મોટા પડકાર સમાન છે. બની શકે કે તેમણે એક મંત્રીને અન્ય રાજ્યમાં ખસેડવા પડે. ઓગસ્ટ 2017માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસીની જંગ થઈ હતી. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બેંગ્લોર નજીક એક રિસોર્ટમાં લઈ જવા પડ્યા હતા જેથી વોટ જળવાઈ રહે. આખરે અહમદ પટેલ પોતાની સીટ જાળવવામાં સફળ થયા હતા.

(6:28 pm IST)