Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

લોકપ્રિય સિરિયલ 'રામાયણ' માં લંકેશનું પાત્ર ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીના 'અન્નપૂર્ણા' નામના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

ઈડરના સદાતપુરા સ્થિત " અન્નપૂર્ણા " નામના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું :ઘરમાં પ્રવેશ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ ઉપરનો મુગટ અને પાદુકાની ચોરી કરી તસ્કરો પલાયન :" અન્નપૂર્ણા" બંગલામાં સ્વ. અરવિંદ ત્રિવેદીએ મોરારીબાપુના હસ્તે શ્રી રામની પ્રતિમાની સ્થાપના કરાવી હતી

અમદાવાદ :દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગર કૃત 'રામાયણ' સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીના ઈડરના સદાતપુરા સ્થિત અન્નપૂર્ણા નામના બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો મોડી રાત્રે નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ ઉપરનો મુગટ અને પાદુકાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા આ સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતાં થતાં દિગ્ગજ અભિનેતા અને 'લંકેશ'ના ચાહકોને આંચકો લાગવાની સાથે ભારે દુઃખ ની લાગણી પ્રસરી જવા પામી છે

   આ અંગે આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં લંકેશ નું પાત્ર ભજવી ખૂબ જ લોકપ્રિય થયેલા સ્વર્ગીય અરવિંદ ત્રિવેદીના ઈડરના સદાતપુરા સ્થિત " અન્નપૂર્ણા " નામના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ શુક્રવારે મોડી રાત્રે નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ ઉપરનો મુગટ અને પાદુકાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા જે અંગે ઇડર પોલીસને ખબર પડતા તરત જ શનિવારે આ બંધ મકાનમાં થયેલી ચોરી અંગે સ્વ. અરવિંદ ત્રિવેદીના મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોને બંધ મકાનમાં થયેલ ચોરી અંગે જાણ કરી હતી

   રામાનંદ સાગરની સુપ્રસિદ્ધ - લોકપ્રિય રામાયણ સિરિયલમાં લંકેશ નું પાત્ર ભજવી ખૂબ જ લોકપ્રિય થયા હતા સ્વ.અરવિંદ ત્રિવેદી ભલે રાવણની ભૂમિકા કરતા પણ તે ભગવાન રામમાં આજીવન ભક્ત રહ્યા. રામ અને શિવ ભક્તિ તે વર્ષોથી કરતા. ત્યાં સુધીની એમની ભક્તિ હતી કે, શૂટિંગ શરુ થાય તે પહેલાં સેટ ઉપર ભગવાન રામની પૂજા કરતા. શૂટિંગ પૂરું થાય પછી ભગવાન રામની તસવીર સમક્ષ માફી પણ માંગી લેતા. કારણ કે શૂટિંગ દરમિયાન તેમને રામ માટે અપમાનજનક સંવાદો બોલવા પડ્યા હોય છે. ઈડર ખાતેના ઘરમાં અરવિંદભાઈએ મોરારીબાપુના હસ્તે રામની પ્રતિમાની સ્થાપના કરાવી છે

(10:19 am IST)