Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સુરતના લીંબાયતમાં ડેંગ્યુ-મલેરિયાની રસી પીવડાવ્યા બાદ ચાર માસની બાળકીનું મોત

સોસાયટીમાં આવેલા એક વ્યક્તિએ 120 રૂપિયા લઇને આપી હતી રસી

 

સુરતઃ શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા સંજયનગરમાં 4 માસની બાળકીનું મોત થઇ ગયું છે, બાળકીને ડેંગ્યુ-મલેરિયાનાં ટીપા પીવડાવ્યાં પછી તેનું મોત થયાનું તેના માતા-પિતાએ જણાવ્યું છે, સોસાયટીમાં આવેલા એક વ્યક્તિએ બાળકીને ટીપા પીવડાવ્યાં હતા, અને આ વ્યક્તિએ 120 રૂપિયા ચાર્જ લીધો હતો, જ્યારે તમારે પણ જાણવું જરૂરી છે કે સરકાર આવી કોઇ રસીનો ચાર્જ લેતી નથી.

મૃતક બાળકીની માતાએ જણાવ્યું છે કે રસીના ટીપા આપ્યાં પછી તેમની બાળકી રડવા લાગી હતી, બાદમાં સ્તનપાન કરાવ્યાં પછી તે ઉંઘી ગઇ હતી, પરંતુ સવારે તે ઉઠી ન હતી, ગભરાયેલા પરિવારે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ડોક્ટરોની ટીમે તેને મૃત જાહેર કરી હતી, મોતની સાચી હકીકત તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવશે, પરંતુ ટીપા પીવડાવનારા શખ્સની તપાસ થાય તે જરૂરી છે. અમારી તમને પણ અપીલ છે કે કોઇ અજાણી વ્યક્તિ પાસેથી પોતાના બાળકને રસી ન આપવી જોઇએ, સરકારી હોસ્પિટલ અથવા પ્રાયવેટ હોસ્પિટલમા જ રસી આપવી જોઇએ.

(12:14 am IST)