Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કરજણમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી :સરકાર તમામ મોરચે નિષ્ફળ ગયાનો આરોપ

નાયબ કલેક્ટરને આવેદન આપ્યું :વિવિધ સુત્રોચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું

કરજણ :ગુજરાતની ભાજપા સરકાર તમામ મોરચે નિષ્ફળ ગયાના આક્ષેપો સાથે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ રેલી યોજી કરજણના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કચેરીના સંકુલમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી જેવા વિવિધ સુત્રોચ્ચારો સાથે વાતાવરણ ગજવી મુક્યું હતું.

  આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ભાજપા સરકાર માત્ર મોટી અને ખોટી વાતો કરી સરકારની તિજોરીમાંથી કૃષિ મેળાના નામે કરોડો રૂપિયાના ખર્ચા કરી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. મગફળી કાંડ જેવી ઘટનામાં તટસ્થ ન્યાયી તપાસ કરવાના બદલે મળતીયાઓને છાવરવા માટે સરકારી તંત્રનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.

 વિવિધ મુદ્દાઓ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. જનાક્રોશ રેલી સાથે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીન ભરતભાઇ, વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ભાસ્કર ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

(10:33 pm IST)