Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાના માળખામાં ફેરફાર, આવતા વર્ષે પાસીંગ માર્ક પણ ઘટશે

૨૦૨૦ની માર્ચ બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે ૩૩ માર્કસ લાવવાના રહેશે

અમદાવાદ તા. ૫ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૯-૨૦થી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા પદ્ઘતિમાં મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધો.૧૦ની ૨૦૨૦ની માર્ચ બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે ૩૩ માર્કસ લાવવાના રહેશે. મહત્વનું છે કે હાલ પરીક્ષામાં પાસ થવા માટે ૩૫ માર્કની જરૂર હોય છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાના માળખામા અને પરીક્ષા પદ્ઘતિમાં કરાયેલા ફેરફારોને લઈને બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને ૨૦૧૯-૨૦ના વર્ષ માટે જાણ કરી દેવા સૂચના આપી હતી. ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષથી લાગુ થનારા આ નવા ફેરફારો મુજબ ધો.૧૦ની માર્ચ ૨૦૨૦ની બોર્ડ પરીક્ષામાં ૫૦ એમસીકયુને બદલે ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાનો ગુણભાર ૭૦ ટકાને બદલે ૮૦ ટકા રહેશે.

જયારે સ્કૂલોની આંતરિક પરીક્ષાઓનો ગુણભાર ૩૦ ટકાને બદલે ૨૦ ટકા રહેશે. બોર્ડના ૮૦ ગુણના પ્રશ્નોમાં ૧૬ ગુણના હેતુલક્ષી પ્રશ્નો રહેશે અને ૬૪ ગુણના ટૂંકા,લાંબા તથા નિબંધલક્ષી પ્રશ્નો રહેશે. સ્કૂલો દ્વારા ૨૦ ટકાના આંતરિક મૂલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ કસોટમાંથી મેળવેલ ગુણના આધારે, ૫ ગુણ બીજી કસોટીના આધારે ,૫ ગુણ નોટબુક સબમિશન અને ૫ ગુણ સબ્જેકટ એનરીચમેન્ટ એકિટવિટી (ભાષા સ્પિકિંગ અને લીસનિંગ ટેસ્ટ,પ્રાયોગિક કાર્ય અને પ્રોજેકટ કાર્ય)ના રહેશે. ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાના ૮૦ ગુણમાંથી ૨૬ અને સ્કૂલોના આંતરિક મૂલ્યાકના ૨૦ ગુણમાંથી ૭ ફરજીયાત લાવવના રહેશે અને તો જ તે ઉતિર્ણ ગણાશે.

ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં માર્ચ ૨૦૨૦ની બોર્ડ પરીક્ષામાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૨૦ ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને ૮૦ ગુણના લાંબા-ટુંકા-નિબંધલક્ષી પ્રશ્નો રહેશે. ૫૦ ટકા એમસીકયુ પ્રશ્નો નહી રહે. ફિઝિકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પ્રેકિટકલના ૫૦ ગુણ રહેશે. ધો.૧૦ અને ૧૨ (વિજ્ઞાાન પ્રવાહ) નાં પ્રશ્નપત્ર પરિરૂપ હવે પછી બોર્ડ દ્વારા જાહેર કરાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પ્રશ્નપત્રોનું પરિરૂપ યથાવત રહેશે. ભાષાઓનાં વિષયોમાં ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ માટે નિયત થનાર પ્રશ્નપત્રોની પેપર સ્ટાઇલ તમામ પ્રવાહોમાં લાગુ પડશે.(૨૧.૧૩)

(11:34 am IST)