Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

બોપલના ચાર કોન્સ્ટબલની આખરે ધરપકડ કરી લેવાઈ

હોટલના સ્ટાફને પટ્ટા વડે મારવાનો ચકચારી કેસ : વિવાદ વકરતાં અને ઉચ્ચ સ્તર સુધી દબાણ વધતાં ચારેય કોન્સ્ટેબલોની અંતે સરખેજ પોલીસની સમક્ષ શરણાગતિ

અમદાવાદ,તા. ૫ : શહેરના બોપલ વિસ્તારમાં સનસીટીની સામે એસ.પી.રીંગ રોડ પર આવેલી દ્વારકાધીશ કાઠિયાવાડી રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે મારામારી કરી હંગામો કરનારા બોપલના ચારેય પોલીસ કોન્સ્ટેબલોને વિવાદ વધુ વકરતા આજે સરખેજ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લેવાની ફરજ પડી હતી. પોલીસે ચારેય કોન્સ્ટેબલોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હોટલના સ્ટાફ કર્મચારીઓને પટ્ટા વડે માર મારવાના ચકચારભર્યા પ્રકરણમાં ચારેય કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ તો પહેલા જ કરી દેવાયા હતા અને આજે વિધિવત્ ખુદ પોલીસના સંકજામાં આવી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે સમગ્ર પોલીસતંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે, તો પોલીસબેડામાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ઉચ્ચ સત્તાવાળાઓ દ્વારા સસ્પેન્ડ કરાયેલા ચારેય કોન્સ્ટેબલોમાં મુકેશદાન ગઢવી, પ્રદ્યુમનસિંહ, સાદિક અને હરપાલસિંહનો સમાવેશ થાય છે. આ અંગેની વિગત એવી છે કે, થોડા દિવસ પહેલાં જ ઉપરોકત ચારેય કોન્સ્ટેબલો શહેરના બોપલ વિસ્તારમાં સનસીટીની સામે એસ.પી.રીંગ રોડ પર આવેલી દ્વારકાધીશ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ખાતે વહેલી પરોઢે ૩-૪૫ વાગ્યે પહોંચ્યા હતા અને જમવાનું માંગ્યું હતું. પરંતુ ત્યારે રેસ્ટોરન્ટમાં જમવાનું હતુ નહી અને તેથી સ્ટાફ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સાહેબ જમવાનું નથી. આટલુ મોડુ જમવાનું હોતું નથી, તેથી અત્યારે નહી મળે. આ સાંભળી ચારેય પોલીસ કોન્સ્ટેબલ ઉશ્કેરાઇ ગયા હતા અને હોટલ સંચાલક અને સ્ટાફને ધમકાવવાનું શરૃ કર્યું હતું. એટલું જ નહી, આવેશમાં આવીને ચારેય કોન્સ્ટેબલોએ સ્ટાફ કર્મચારીઓને પટ્ટા વડે જોરદાર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે, હવે જમવાનું રાખજો નહી તો ખેર નથી. રીઢા ગુનેગારની જેમ સ્ટાફ કર્મચારીઓને માર માર્યા બાદ આ કોન્સ્ટેબલોએ તેઓને જાહેરમાં દસેક મિનિટ સુધી ઉઠક-બેઠક કરાવી હતી. જો કે, પોલીસ કોન્સ્ટેબલોની આ દાદાગીરી અને ગુંડાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને તેના પગલે જોરદાર હોબાળો મચી ગયો હતો, તેના ઘેરા પ્રત્યાઘાત પોલીસતંત્રમાં પડયા હતા.

બીજીબાજુ, હોટલના માલિક અને કર્મચારીઓ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ વિરૃધ્ધ ગુનો હોવાથી પોલીસે માત્ર અરજી જ લીધી હતી અને ફરિયાદ નોંધી ન હતી પરંતુ પાછળથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતાં સીસીટીવી ફુટેજ સામે આવતાં અને ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સુધી વાત પહોંચતા દબાણ વધ્યું હતું અને આખરે ચારેય કોન્સ્ટેબલ વિરૃધ્ધ ગુનો દાખલ કરાયો હતો. જો કે, સરખેજ પોલીસમથકના પીઆઇ રામાણીએ બાદમાં હોટલના શટર પડાવી દીધા હતા અને જો ચાલુ કરશો તો દર કલાકે માલિક વિરૃદ્ધ ફરિયાદ નોંધવાની ચીમકી આપી હતી, તેને લઇને પણ વિવાદ સર્જાયો હતો. આખરે આજે આ પ્રકરણમાં વધુ વિવાદ ના વકરે તે હેતુથી ઉચ્ચ સત્તાધીશો દ્વારા ચારેય કસૂરવાર કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા બાદ આજે સરખેજ પોલીસ સમક્ષ હાજર થઇ જતાં ધરપકડ કરી લેવાયા હતા.

(12:06 am IST)