Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થશે

પરિણામોને લઇને ગ્રામિણ વિસ્તારોમાં ઉત્સાહ : સાંજ સુધી તમામ પરિણામો મળશે : નાગરિક સમિતિઓ જિલ્લા પંચાયત ઉપર કબજો મેળવવા માટે ખુબ જ ઉત્સુક

અમદાવાદ,તા.૫ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ હવે આવતીકાલે ૧૧૫૩ ગ્રામ પંચાયતોમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. આવતીકાલે સાંજ સુધીમાં તમામ પરિણામ મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આમા આ ચૂંટણીમાં કોઇ પાર્ટીના પ્રતિક વગર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા પરંતુ નાગરિક સમિતિઓ તરફથી ભારે ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે. નાગરિક સમિતિઓ જિલ્લા પંચાયત ઉપર કબજો મેળવવા માટે સક્રિય દેખાઈ રહી છે.  રાજયની ૧૪૨૩ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૨૭૦ સમરસ જાહેર થયા બાદ ગઇકાલે રવિવારના દિવસે સઘન સુરક્ષા વચ્ચે ૧૧૫૩ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઇ હતી, જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. ગ્રામ પંચાયતોની ગઇકાલની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભારે ઉત્સાહ સાથે ઉંચુ અને વિક્રમી મતદાન કરી શહેરી વિસ્તારની પ્રજાને શરમાવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૫ ટકાથી વધુ મતદાન નોંધાયું હતુ.  રાજયમાં ૧૧૨૯ સરપંચો અને ૬૦૪૯ વોર્ડ બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા બાદ આવતીકાલે તેમના ભાવિનો ફેંસલો થશે.  રાજયના ૩૨ જિલ્લાઓમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું સરેરાશ મતદાન ૭૫ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના જાગૃત નાગરિકો, વૃધ્ધો અને મહિલાઓ લાંબી લાઇનો લગાવી મતદાન માટે ઉભા રહી ગયા હતા. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, અમરેલી, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. અમદાવાદ જિલ્લામાં વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. અમદાવાદ જિલ્લાની ૨૨ ગ્રામ પંચાયતો પૈકી ૯ પંચાયતો સમરસ જાહેર થતાં અહીં ગઇકાલે ૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. રાજયના ૩૨ જિલ્લાઓના ૨૨ લાખ, ૫૧હજાર, ૮૮૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ મતદાનમથકો પર પહેલેથી જ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ વિધાનસભાની ચૂંટણીની જેમ ઇવીએમનો ઉપયોગ કરાયો હતો. તો, આ ચૂંટણીમાં મતદારોને નોટાનો ઉપયોગ કરાયો હતો.

 

(8:14 pm IST)