Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

બિટકોઈનમાં રોકાણ માટે દક્ષિણ ગુજરાતના 40 હજાર આઇડીનો દુરુપયોગ : આઈટીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નોકર, ડ્રાઇવર, બેરોજગારોના IDનો થયો ઉપયોગ : 400થી વધુ વેબસાઈટ પણ બનાવી : 120 કરોડના વ્યવહારોના ડેટા આઠ બ્રોકર્સ પાસેથી મળ્યા : સ્ક્રુટિની થયા બાદ નવા ધડાકાની શકયતા

સુરત :બીટકોઈનમાં રોકાણકારોએ દક્ષિણ ગુજરાતમાં 40 હજાર જેટલી આઇડીનો ઉપયોગ કર્યાનું ખુલ્યું છે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ગેરકાયદે નફો રળતા રોકાણકારો સામે આઇટીએ સકંજો કસીને કરેલી તપાસમાં ચોંકવનારા ખુલાસા થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બિટકોઈનમાં દક્ષિણ ગુજરાતના રોકાણકારોએ કુલ 40 હજાર જેટલી આઇડીઓ બનાવી રોકાણ કર્યું છે.આઇટી વિભાગના ધ્યાને આવેલી બાબતમાં 40 હજાર IDનો ઉપયોગ કરી બિટકોઈનની ખરીદી કરાઈ છે જેમાં નોકર,ડ્રાઇવર, બેરોજગારોના IDનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.રોકાણકારોએ પાનકાર્ડ દ્વારા બીટકોઈનનો આ ખેલ કર્યો હોવાનું જાણવા મળે છે.

બીટકોઈનમાં રોકાણ કરનારા લોકોએ  400થી વધુ વેબસાઈટ પણ બનાવી છે. જે અંગે પણ આઇટી તપાસ કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં સુરતમાં આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 400 કરોડના કાળા નાણાંના વ્યવહારનો ખુલાસો થયો હતો. સુરતના બિલ્ડર ગ્રૂપ અને બીટકોઈનમાં રોકાણ કરનાર આખરે આવકવેરા વિભાગના સાણસામાં આવ્યા હતા. સુરત ઇન્કમટેક્સની ઇન્વેસ્ટીગેશન વીંગ દ્વારા ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં વ્યવહારો કરનારાઓને ત્યાંથી 120 કરોડના વ્યવહારો મળ્યા હતા.

સુરતમાં આઈટીની ત્રણ દિવસની તપાસ બાદ સુરત વાપી અને નવસારીમાં 120 કરોડના વ્યવહારોને લગતા ડેટા માત્ર આઠ બ્રોકર્સ પાસેથી જ મળી આવ્યા હતા. સુરત આયકર વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગે સુરતના બિટકોઈન બ્રોકર્સના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા આઠ જેટલા બ્રોકર્સ-ઈન્વેસ્ટર્સ પર વ્યાપક પાયે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.

મુખ્યત્વે બ્રોકર્સ તથા ઈન્વેસ્ટર્સના ઓફિસ તથા રહેણાંક સ્થળો પરથી મળેલા કોમ્પ્યુટર્સ તથા લેપટોપના ડેટા વ્યવહાર કબજે કરવામાં આવ્યા હતા જે ડેટાને ડીકોડ કરવા માટે મુંબઈથી ખાસ ડેટા એનાલીસ્ટની ટીમને બોલાવવામાં આવી હતી. બીટકોઈન રોકાણ વેચાણના વ્યવહારોના ડેટા વઘાસીયા બંધુ તેમજ નવસારીના મિતુલ પટેલ, વાપીના ચિરાગ ટેલર, સુરતના સી.એ ગૌરાંગ વેકરીયા તેમજ મેહુલ અને ઉમંગ વગેરે બ્રોકરો પાસેથી કબજે લેવાયા હતા.

બિટકોઈનમાં રોકાણ માટે કરવામાં આવેલા ગોલમાલનો ખુલાયો થયા બાદ હાલ આવકવેરા વિભાગે તમામની સ્ક્રૂટિની શરૂ કરી છે. જ્યાં સ્ક્રુટિનીમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા સૂત્રો દ્વારા સેવવામાં આવી છે.

(9:19 am IST)