Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

“આપ”ના પૂર્વ અગ્રણી ઉમેદસિંહના મૃત્યુના રહસ્ય પરથી પડદો ઉંચકાયો : હત્યાનો ગુન્હો દાખલ થયો

મહિલા સાથે કારમાં બેઠા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ગુજરાત શ્રમિક સેવા સંગઠન અમદાવાદ શહેર પ્રમુખ રહી ચૂકેલા ઉમેદસિંહના રહસ્યમય મૃત્યુના બનાવ પરથી પડદો ઊંચકી આનંદનગર પોલીસે તેમની હત્યા થયાનો ખુલાસો કર્યો હતો. મૃતકના પત્નીની ફરિયાદના આધારે પોલીસે ઝીરો નંબરથી હત્યાનો ગુનો નોંધી તપાસ કાલુપુર પોલીસને સોંપી છે. ઉમેદસિંહ ચાવડા ગત તા.30મી ડિસેમ્બર,2020ના રોજ મોડી રાત્રે 11.15 વાગ્યે મહિલા સાથે કારમાં બેઠા હતા. તે સમયે આવેલા મુન્ના સહિતના અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જે હુમલામાં ગંભીર ઇજા થતાં ઉમેદસિંહનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું

આનંદનગર વિસ્તારમાં 100 ફૂટ રોડ પર આનંદનગર ફ્લેટમાં રહેતાં સરસ્વતીબહેન ઉમેદસિંહ ચાવડા (ઉં,37)એ મુન્ના સહિતના અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. 

બનાવની વિગત મુજબ ગત તા.30-12-2020ના રોજ મોડી રાત્રે સરસ્વતીબહેનને તેમના પતિ ઉમેદસિંહના ફોન પરથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે વિન્ટ્સ એટલાન્ટા, આલ્ફા બજાર ખાતેની ઑફિસે આવવા જણાવ્યું હતું. સરસ્વતીબહેન ઓફિસે પહોંચ્યા ત્યારે પતિ ઉમેદસિંહ અર્ધ બેહોશ પડ્યા હતા. કાનમાંથી અને મોમાંથી લોહી નીકળતું તેમજ કપાળ પર સોજો હતો

ઉમેદસિંહને 108માં તપન હોસ્પિટલ લઈ ગયા, જ્યાં કોવિડ સારવાર થતી હોય સોલા સિવિલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ અસારવા ખસેડયા હતા. સારવાર દરમિયાન ઉમેદસિંહનું મોત થતા ડૉક્ટરોએ આનંદનગર પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી મૃતક ઉમેદસિંહની લાશનું પેનલ ડૉક્ટરોથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

 

દરમિયાનમાં સરસ્વતીબહેને ઉમેદસિંહને ઇજાગ્રસ્ત હાલતમાં ઓફિસ લઈને આવેલા પતિના મિત્રો પ્રતીક રમેશચંદ્ર ગજ્જર અને આનંદ ઇન્દ્રગીરી ગોસ્વામીને ઈજા કઈ રીતે થઈ તે અંગે પૂછપરછ કરી હતી. બન્નેએ સરસ્વતીબહેનને જણાવ્યું કે, તેઓ ઈકો કારમાં ઉમેદસિંહ સાથે ગત તા.30-12-2020ના રોજ રાત્રે 11.15 વાગ્યે ખાડીયા ચાર રસ્તા ગયા હતા. તે સમયે એક મહિલા આવી કારમાં બેઠી હતી. ઉમેદસિંહે કાર ખાડીયા પેપર માર્કેટ ગેબીનાથ મહાદેવ મંદિર પાસે લીધી હતી.

તે પછી ઉમેદસિંહે કાર ઉભી રાખી તેઓ બન્નેને નીચે ઉતારી થોડે દુર જઈ ઉભા રહેવા જણાવ્યું હતું. મહિલા અને ઉમેદસિંહ કારમાં બેસી વાત કરતા હતા. તે સમયે 5થી 6 શખ્સ ત્યાં આવ્યા અને ઉમેદસિંહને કારમાંથી ખેંચી મારમારવા લાગ્યા હતા. પ્રતીક અને આનંદ ત્યાં પહોંચ્યા તો આરોપીઓએ તેઓને પણ મારમાર્યા હતા. મારામારીમાં ઉમેદસિંહ નીચે પડી જતા તેઓને માથામાં ઇજાઓ પહોંચી હતી. હુમલો કરનાર શખ્સો હિન્દી ભાષામાં મુન્ના મુન્ના કરી વાત કરતા હતા. હુમલાખોરો ભાગી ગયા બાદ પ્રતીક અને આનંદ ઈકો કારમાં ઉમેદસિંહને ઓફિસ લઈને પહોંચ્યા હતા. Umedsinh Murder

બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉમેદસિંહનું માથામાં ઇજા થવાથી મોત થયાનું પ્રાથમિક કારણ પોલીસને મળ્યું તેમજ ખાડીયા વિસ્તારમાં થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. બનાવ અંગે આનંદનગર પોલીસે સરસ્વતીબહેનની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી બનવાનું સ્થળ કાલુપુર પોલીસ સ્ટેશનમાં આવતું હોવાથી પેપર તપાસ માટે ત્યાં મોકલી આપ્યા છે.

(11:01 pm IST)