Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કમોસમી વરસાદથી શિયાળુ પાકને મોટું નુકશાન થવાની ભીતિ

ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ જેવો માહોલ સર્જાયો : વારંવાર વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે : રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી

ગાંધીનગર, તા. ૫ : નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ જેવો માહોલ પણ સર્જાયો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જો કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટુ નુકશાન થવાની ભીતિ છે. રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ મંગળવાર, બુધવાર અને ગુરૂવારે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આ વિસ્તારોમાં હાડ થિજવતી ઠંડી પડશે. જાન્યુઆરી મહિનામા ઠંડીનું જોર વધશે. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાનનો પારો ૦૯ ડિગ્રીથી નિચે ગગડવાનો સિલસિલો રહ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં નજીવો ઘટાડો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોનો લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે, જેના કારણે ઠંડી ઘટી છે. આજે સોમવારે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી નોધાયુ હતુ. ડીસાનું લઘુત્તમ તાપમાન ૧૧.૩ ડિગ્રી અને ગાંધીનગરનું ૧૧.૫ ડિગ્રી નોધાયુ હતુ. જોકે આજે સૌથી નીચું ૪.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયાનું નોધાયુ હતુ. એ પછી બીજા ક્રમે સૌથી નિચુ તાપમાન કેશોદનું ૭.૧ ડિગ્રી નોધાયુ હતુ.

જામનગરના કાલાવડમાં હવામાન ખાતાની આગાહી મુજબ માવઠા સાથે આજે ઝાકળનો વરસાદ થયો છે. જેના કારણે કાલાવડથી રાજકોટ હાઇ-વે ધુમસને કારણે સૂમસામ બની ભાસી રહ્યો છે. વધુ પડતાં ઝાકળને કારણે ચણા, જીરું, ઘઉ, ધાણા, મેથી, કપાસ સહિતના પાકમાં નુકસાની થવાની ખેડૂતોને ભીતિ છે. ઝાકળથી પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની પણ ખેડૂતોને ભીતી છે.

મહેસાણાના ઊંઝા શહેરમાં આજે વહેલી સવારથી ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાઈવે પર વાહન ચાલકોને સામે જોવા માટે હેડલાઈટ ચાલું કરવી પડી રહી છે. વાહનચાલકોને પારાવાર મજબૂરીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂમમ્સને કારણે વિજીબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ઉંઝામાં ઠંડીના ચમકારા વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે.

ડાંગ જિલ્લાના પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના સાપુતારા અને આહવામાં વરસાદી માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ વચ્ચે ઠંડીનો ચમકારો યથાવત છે. ડાંગ- જિલ્લાના સાપુતારા અને આહવાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે. કમોસમી વરસાદ થતાં ઠંડીનો ચમકારો જોરદાર વર્તાઈ રહ્યો છે. હાલ સહેલાણીઓમાં વાતાવરણને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી બાદ વિજયનગર ધુમ્મસથી ઘેરાયું છે. ગતરાત્રિએ વિજયનગરમાં ઝરમર વરસાદ બાદ સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વિજયનગરમાં ધુમ્મસને લઈ વાહન ચાલકોને વાહન ચલાવવામાં ધુમ્મસનો સામનો કરવો પડ્યો છે. વિજયનગર ધુમ્મસને લઈ કુદરતી પ્રકૃતિથી ખીલી ઉઠ્યું છે. ધુમ્મસ અને વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તેવી રીતે અરવલ્લીના ભિલોડમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભિલોડા, લીલછા, મકરોડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યો છે. ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતા લોકોને અનેક મુશ્કેલીઓ પડી છે. એક સાથે બે ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અને વધુ પડતી ઠંડીના કારણે વરિયાળી, ઘઉં, ચણા, જીરું, જેવા પાકને નુકશાની ભીતિ છે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

અત્રે નોંધનીય છે કે, કમોસમી વરસાદ અને ઠંડીના કારણે દક્ષિણ ગુજરાત પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલિટી પણ ઘટી ચૂકી છે. સુરત શહેરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો પણ વર્તાઈ રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાત પર ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. તમામ હાઇ-વે સહિત માર્ગો પર ધુમ્મસને લીધે વિઝીબિલિટી ઘટી છે. સુરતનું લઘુત્તમ તાપમાન ૧૬ ડીગ્રી અને મહત્તમ ૨૬ ડીગ્રી નોંધાયું છે. ઉત્તર પૂર્વ દિશાના ૭ કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડી પણ જોરદાર વર્તાઈ રહી છે.

ગયા અઠવાડીયામાં અમદાવાદ સહિત રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઠંડી ઘટી ગઈ છે. જોકે છેલ્લા ૧૦ વર્ષના આંકડા અને હવામાન નિષ્ણાંતોના આગાહી મુજબ જાન્યુઆરી માસમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી મહિના દરમિયાન ૯૦ ડિગ્રીથી નિચે તાપમાન જવાનો છેલ્લા ૧૦ વર્ષનો સિલસિલો રહ્યો છે. અમદાવાદમાં વર્ષ-૨૦૨૦માં ૯ ડિગ્રી, ૨૦૧૯માં ૮ ડિગ્રી અને ૨૦૧૮માં ૮.૬ ડિગ્રી સુધી પારો ગગડયો હતો.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરીથી ઠંડીએ જોર પકડયું છે. સોમવારે માઈનસ ૦.૫ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. માઉન્ટ આબુમાં ફરીથી શીતલહે પ્રસરતાં ઠંડા પવનના સુસવાટા વચ્ચે માઉન્ટ આબુની ઘાટીઓમાં વાતાવરણ ઠંડુગાર થઈ જવા પામ્યું છે. સહેલાણીઓ હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ માઉન્ટ આબુના જોવાલાયક સ્થળે ઉમટી રહ્યા છે. માઉન્ટ આબુના સૌથી ઉંભા ગુરૂશિખર પર તાપમાનનો પારો માયનસ બે ડીગ્રી નોંધાયો છે.

ભર શિયાળે હવામાનમાં પલટો આવતા ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો ઘેરાયા હતા. સાબરકાંઠા-અરવલ્લીના મેઘરજ, બાયડ, માલપુર અને પોશીના પંથકમાં આજે સોમવારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર થયા હતા. આ સિવાય સુરતના ચીખલી અને ખેરગામમાં પણ આજે માવઠું થતાં શેરડીની કાપણી માટે આવેલા શ્રમિકોની સ્થિતિ કફોડી બની હતી. ભરશિયાળે કમોસમી વરસાદ વરસતા વરિયાળી, ચણા, બટાકા, જીરું સહિતના પાકને નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે.

અરવલ્લીના બાયડ, મેઘરજ અને માલપુર અને પોશીના પંથકના અનેક ગામોમાં ભરશિયાળે વરસાદ તૂટી પડતાં વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. બાયડના સાઠંબા, પટેલના મુવાડા, હઠીપુરા, ચાંપલાવાત, ગાબટ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા દોડધામ મચી હતી. મેઘરજ તાલુકામાં પણ રેલાવાડા, જીતપુર, તરકવાડા સહિતના ૧૦થી વધુ ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. ત્રણ દિવસથી પલટાયેલા વાતાવરણ બાદ સોમવારે બપોરે પોશીના પંથકમાં માવઠું થયું હતું.

સવારથી આકાશમાં વાદળો ગોરંભાયા બાદ અચાનક બપોરના સમયે છાંટા પડવાના શરૂ થઈ ગયા હતા. ચીખલી અને ખેરગામ તાલુકામાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં શીત લહેર ફેલાઈ હતી. જાન્યુઆરીમાં પણ કમોસમી વરસાદને કારણે રવિપાક, ચીકુ, કેરી, શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિના પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ચીખલી અને ખેરગામ તાલુકામાં મોટાપાયે કેરીનું ઉત્પાદન થતું હોય છે. કમોસમી વરસાદને પગલે આવનારી સીઝનમાં કેરીના પાકને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

(9:21 pm IST)