Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

પિપલોદમાં નાણાંકીય તંગીથી કંટાળી માતા-પુત્રનો આપઘાત

લોકડાઉનમાં આર્થિક ભિંસમાં મોટો વધારો : દેવું વધી જતાં બેંકવાળા ફોન કરી માતા અને પુત્રને ધમકી આપતા હતા અને પઠાણી ઉઘરાણી કરતા હતા

સુરત, તા. ૫ : કોરોના મહામારીમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવ્યા બાદ સામાન્ય માણસ મુશ્કેલીમાં મૂકાયો છે. લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ કથળતા બેંક પાસેથી લોન લઇ જીવનનિર્વાહ કરવા મજબૂર બન્યા હતા. જોકે સામાન્ય માણસ ઉપર હવે કોરોના મહામારી અને લોકડાઉનની અસર જોવા મળી રહી છે. હવે રાજ્યમાં આર્થિક સંકળામણ અને બેંકની ઉઘરાણીથી કંટાળી લોકો આપઘાત કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

સુરતના પીપલોદમાં માતા-પુત્રએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આર્થિક સંકડામણમાં માતા અને પુત્રએ આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસે આપઘાત અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પીપલોદ વિસ્તારની આ ઘટના છે. જ્યાં માતા-પુત્રનોએ ઘરમાં પંખા પર લટકી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણમાં પુત્ર અને માતાએ મોતને વ્હાલું કર્યાની આશંકા સેવાઇ રહી છે.

આપઘાત કરનાર માતા-પુત્ર પૈકી પુત્ર ગત બે દિવસથી મિત્રોને આપઘાત કરવાની વાત કરતો હતો. આ દરમિયાન પુત્રએ પોતાની પત્ની અને પુત્રને તેમના મામાના ઘરે મૂકી આવ્યો હતો. સૂત્રો અનુસાર પૈસાનું દેવું વધી જતાં બેંકવાળા ફોન કરી માતા અને પુત્રને ધમકી આપતા હતા અને પઠાણી ઉઘરાણી કરતા હતાં. જેથી ત્રસ્ત આવી આ માતા-પુત્રએ આપઘાત કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ સમગ્ર મુદ્દે મામલે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:18 pm IST)