Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

બનાસડેરીમાં ૮૨ લાખ લિટર દૂધની વિક્રમજનક આવક થઈ

બનાસકાંઠાની જીવાદોરી બનાસડેરીનો રેકોર્ડ : ૫૫ લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસ ડેરી માટે દૂધની વેચાણ કરવા માટે પડકારજનક સ્થિતિ

પાલનપુર, તા. : બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન બનાસડેરીમાં આજે એક રેકોર્ડ બનાવ્યો છે. બનાસડેરીમાં આજે વિક્રમજનક રીતે ૮૨ લાખ લિટર દૂધની આવક થઈ છે. બનાસડેરીની ૫૫ લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસ ડેરી માટે દૂધની વેચાણ કરવાની પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. બનાસડેરીનું દૂધ રાજસ્થાન, યુપી, હરિયાણા મોકલાઈ રહ્યું છે.

બનાસડેરી દૂધથી છલકાઈ ગઈ હોવાની વાત સામે આવી રહી છે. બનાસડેરીમાં ઐતિહાસિક ૮૨ લાખ લીટર દૂધની આવક થતાં મોટી મુશ્કેલીઓ પડી છે. આટલા મોટા દૂધના જથ્થાનો અવેર બનાસડેરી માટે પડકારરૂપ પરિસ્થિતિ સર્જાઈ છે. દરરોજની ૫૫ લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસડેરી માટે દૂધનો અવેર અને વેચાણ કરવાની પડકારજનક સ્થિતિ સર્જાતા એક રેકોર્ડ પણ બનાવી દીધો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત રાજયની તમામ ડેરીઓનું કૂલ દૂધ સંપાદન .૨૫ કરોડ લીટર છે. જેમાં માત્ર બનાસ ડેરીનું દૂધ સંપાદન ૮૨ લાખ લીટર થવા પામી છે.

બનાસડેરી પણ તેના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલી-ડે રાખવો પડે તે પ્રમાણે પડકાર જનક સ્થિતિમાં દુધનો અવેર કરી રહી છે. બનાસડેરીમાં ૧૦૦૦ ટેક્નરો મારફતે દૂધનું વહન બીજા રાજ્યોમાં કરાઇ રહ્યું છે. રાધનપુર તેમજ ખીમાણા દૂધ શીત કેન્દ્રો પણ કાર્યરત કરીને દૂધના જથ્થાને મેળવીને બહારની ડેરીઓને પણ દૂધનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે. મધર ડેરીને દૈનિક ૧૪ લાખ લીટર દૂધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.

રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા ખાતે પણ દૂધ મોકલવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે દૂધની આવક વધી રહી છે તે જોતા મિલ્ક હોલીડે રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દિયોદરના સણાદર ખાતે નવો ડેરી પ્લાન્ટ આગામી એક દોઢ વર્ષમાં કાર્યરત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(7:39 pm IST)