Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ડાયમંડ વેપારીની પત્ની, પુત્રી અને સાસુ સાથે જ દીક્ષા લેશે

ધન-વૈભવ નજીકથી જોવા છતાં તેનું આકર્ષણ ન રહ્યું : રામચંદ્ર સમુદાયના જૈન સાધ્વી હિતદર્શનીશ્રીજીના માર્ગદર્શનમાં દીક્ષા લેવા માટેની તૈયારી શરૂ કરી દેવાઈ

ડીસા, તા. : તેઓ હોંગકોંગના એક મહત્વના ડાયમંડ ફર્મના પરિવાર સાથે જોડાયેલા છે. તેમણે ધન અને વૈભવને ઘણા નજીકથી જોયું છે, પરંતુ તેમને ધન આકર્ષિત ના કરી શક્યું. તેઓ તપસ્યાના તેજથી આકર્ષિત થયા અને હવે તેમણે પોતાનું આગામી સમગ્ર જીવન જૈન સાધ્વીઓની જેમ પસાર કરવાનું નક્કી કર્યું છે. ત્રણે પેઢીઓની મહિલાઓ છે, જેમાં મા, દીકરી અને નાની સામેલ છે. હોંગકોંગ નિવાસી પરીશી શાહ (૨૩) પોતાના નાની ઇંદુબેન શાહ (૭૩) અને મા હેતલબેનની સાથે રામચંદ્ર સમુદાયના સાધ્વી હિતદર્શનીશ્રીજીના માર્ગદર્શનમાં દીક્ષા લેવા માટે તૈયાર છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા અને ધાનેરામાં રહેનારા પરિવારે તેમના દીક્ષા ગ્રહણ સમારંભની તૈયારી શરૂ કરી દીધી છે. પરીશીએ જણાવ્યું કે તેણે હોંગકોંગથી સાયકોલોજીમાં ડિગ્રી લીધી છે. તેણે સ્કૂલનો અભ્યાસ પણ હોંગકોંગમાં કર્યો છે જ્યાં તેના પિતા ભરત મહેતા ડાયમંડનો બિઝનેસ કરે છે. તેનો ભાઈ જૈનમ યૂએસમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે. પરીશીએ જણાવ્યું કે, હું ભારત આવી તો નાની સાથે દેરાસર ગઈ. અહીં મે પ્રવચન સાંભળ્યા. હું એટલી પ્રભાવિત થઈ કે હું રેસ્ટોરન્ટ જવાનું અને ફિલ્મો જોવાનું ભૂલી ગઈ.

તેણે આગળ કહ્યું કે, અમે લોકો સતત સાધ્વીના પ્રવચનો સાંભળવા લાગ્યા. સાધ્વીઓ વચ્ચે સમય પસાર કરવા દરમિયાન મને કંઇક અલગ અહેસાસ થવા લાગ્યો. મને જ્ઞાન થયું કે કોઈ પણ વ્યક્તિને તેની અંદર અસલી ખુશી મળે છે. મે સાધ્વી બનવાનો નિર્ણય લીધો. જ્યારે પરીશીની મા હેતલબેનને વિશે જાણ થઈ તો તેઓ તરત હોંગકોંગથી મુંબઈ આવ્યા. તેમણે કહ્યું કે, મારી મા અને દીકરીના નિર્ણયની જાણ થતા હું તરત મુંબઈ આવી ગઈ. મે વિચાર્યું હતુ કે હું મારા દીકરા અને દીકરીના લગ્ન પછી સાધ્વી બની જઇશ, પરંતુ હવે મારે રાહ નથી જોવી. હું દીકરી સાથે દીક્ષા લેવા જઇ રહી છું.

(7:38 pm IST)