Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કિસાન સૂર્યોદય યોજના : દિવસે કામ રાત્રે વિશ્રામ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી નવીન યોજનાનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ :ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુકત વીજ પુરવઠો મળશે.

અમદાવાદ : નવા વર્ષે- ૨૦૨૧ પ્રારંભે રાજય સરકાર દ્રારા જન કલ્યાણ જન સુખાકારીનો દબદબાભેર પ્રથમ દિવસથી  પ્રારંભ કરીને ખાતમુહર્ત અને લોકાર્પણનો શીલશીલો અવિરત વહેતો રાખ્યો છે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેવા નકકર પ્રયાસો અને ગુજરાતની પ્રગતિને ઉત્તમથી સર્વોત્તમ દિશામાં લઇ જવાના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  કિસાન સૂર્યોદય યોજનાને લોકાર્પણ કરીને ખેડૂતોની આવક બમણી કરવાની નક્કર યોજનાનો પ્રારંભ કર્યો હતો.
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને સંબોધન કરતા  જણાવ્યું હતું કે, જયોતિ ગ્રામ  યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના એટલે કિસાન સૂર્યોદય યોજના દિવસે કામ અને રાત્રે વિશ્રામ આ નવી યોજનાથી ઉત્તર  ગુજરાતના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહેશે અને તબક્કાવાર રાજયના ૩૩ જિલ્લાઓમાં આ યોજના લાગુ કરવામાં આવશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ શુભારંભ કરવામાં આવશે. પહેલા ખેડૂતોને રાત્રે ખેતરમાં પિયત કરવા  જતા જીવજંતુ કરડવાનો ભય રહેતો હતો, હવે ખેડૂતોને ૮ કલાક દિવસે વીજપુરવઠો મળશે જેથી ખેડૂતોને સુરક્ષા મળી રહેશે તો વળી અગાઉના સમયમાં લંગડી  વીજળી મળતી હતી તેમાંથી પણ મુક્તિ મળશે.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાપર્ણ પણ અમે જ કરીએ છીએ, અગાઉની સરકારો ખાતમુહૂર્ત કરી પથ્થરો મુકતા તે કયારે પૂર્ણ થાય તે નક્કી નહોતું આજે એવુ નથી અમે જે કહિએ છીએ તે કરીએ છીએ અને રાજયના બજેટમાં અમે પૂરતા નાણા ફાળવીને ટેન્ડર કર્યા પછી જ કામનું  ખાતમુહૂર્ત કરીએ છીએ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૨૦નું વર્ષ સંઘર્ષમય રહયું કોરોનાની મહામારીમાં પણ આપણે ગુજરાતના વિકાસના કામોને અટકવા દિધા  નથી, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યદક્ષતા અને દિર્ઘદ્રષ્ટિથી આ મહામારીમાં અડીખમ ઉભા છીએ, રાજયમાં કોરોનાનો હવે રીકવરી રેટ વધ્યો છે અને મૃત્યુદર પણ ઓછો થયો છે. જાન હૈ તો જહાન હૈના મંત્રને આપણે સુપેરે નિભાવ્યો છે. તેમ જણાવ્યું હતું છેલ્લા પાંચ મહિનામાં ૨૨  હજાર કરોડના વિકાસના  કાર્યો છે. આપણે દશેય દિશામાં વિકાસને આગળ ધપાવ્યો છે.
મુખ્યમંત્રીરીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને  ટેકાના ભાવે અનાજ ખરીદી કરી ખેડૂત કલ્યાણના સાત પગલા કાર્યક્રમ થકી અનેક યોજનાઓનો લાભ આપ્યો છે કિસાનોની આવક બમણી કરવામાં મદદરૂપ બનશે, જેમાં  પ્રાકૃતિક ખેતી, કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના જેવા અનેક પ્રયત્નો કર્યા છે. ખેતી સમૃધ્ધ તો ગામ સમૃધ્ધ, ગામ સમૃધ્ધ તો શહેર  અને  રાજય  સમૃધ્ધ બનશે.
  હવે ખેડૂતોને માગો ત્યારે વીજ કનેકશન મળશે ૧૧.૫ લાખ વીજ જોડાણ આપ્યા છે ગુજરાતમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કચ્છમાં ૩૦ હજાર મેગાવોટ ઉર્જા પાર્કનું ખાતમુહૂર્ત ડી. સેલીનેશન પ્લાન્ટ માંડવીમાં, ગીરનાર રોપવે કિસાન સૂર્યોદય યોજના, એશીઆની સૌથી મોટી હોસ્પિટલ યુ.એન.મહેતા, એમ્સ જેવી સુવિધાઓનું ઇ-લોકાર્પણ દ્રારા આપણને મળી છે ઉત્તમથી સર્વોત્તમ તરફ આપણને આગળ ધપાવ્યા છે. નવા સૂર્યોદય આપણને પ્રાપ્ત થયો છે. આવનારના દિવસોમાં શ્રી નરેન્દ્રભાઇના સંકલ્પોમાં સૌ આગળ વધીએ તેવી શુભ કામના પાઠવી હતી.
  આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, અત્યારની સરકારમાં ઉર્જા વિભાગગે ખેડૂતોની ચિંતા કરીને ખર્ચ ઘટે અને આવક વઘે તેવા બહુઆયામી પ્રયત્નો કરીને તેમનું જીવનધોરણ ઉચું લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે, માંગો તયારે વીજ કનેકશન મળશે તેવા દિવસો આજે આવી ગયા છે. અગાઉની સરકારમાં માત્ર ૨૧૦૦ કનેકશન મળતા આજે ૫૦૦૦ કનેકશન, આજે આપણે ૩.૮૦ લાખ કનેકશનો ખેડૂતોને આપ્યા છે. આજે બાયડમાં ૫૦૦૦ હજારની સામે ૧૫૦૦૦ કનેકશનો છે.  એક કનેકશન માટે ૧.૬૦ લાખનો ખર્ચ થાય છે તેની સામે સરકાર માત્ર ૧૦ હજાર લઇને ખેડૂતોને કનેકશન આપીએ છીએ સબસિડીનો ખર્ચ ખેડૂતો વતી રાજય સરકાર ઉપાડે છે. ઉજાર્મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, દરેક વસ્તુનો સંગ્રહ કરી શકાય છે પરંતુ ઉર્જાનો સંગ્રહ કરી શકાતો નથી કિસાન સૂર્યોદય યોજના ઐતિહાસિક  અને ખેડૂતોના જીવનમાં બદલાવ લાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.  
આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રભારી અને વન આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે, રાજય સરકારે જનસુખાકારી માટે જંગી બજેટ ફાળવીને તમામ  લોકોની ચિંતા કરીને વિકાસના કામોને  વેગ આપ્યો છે. અન્નક્ષેત્રે આપણે સ્વાવલંબી બન્યા છે. યોજનાના પ્રથમ  તબક્કામાં જિલ્લાના ૧૦૪ ગામના કુલ ૪૫ ખેતીવાડી ફીડરોના  ૧૨૧૧૪ ખેડૂતોનુ ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે.
  આ પ્રસંગે સાંસદ દિલીપસિંહ રાઠોડે સૌનું સ્વાગત કરી રાજ્ય સરકારની કામગીરીની સરાહના કરી હતી અને માનનીય વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈના શાસનમાં વિકાસ ઝડપી અને વેગીલો બન્યો છે. સૌની સુખાકારીમાં વધારો કર્યો છે જનતાની સેવા માટે અનેક નિર્ણયો કર્યા છે આપણે સૌ સાથે મળીને તેમના હાથ મજબુત કરીયે આગળ વધીએ અને મેઘરજ તાલુકાના ગામોમાં તળાવો ભરવાનું સૂચન કર્યું હતું
આ પ્રસંગે યુજીવીસીએલ ના એમડી મહેશ સિંહ દ્વારા કિસાન સૂર્યોદય યોજનાની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું સ્થાનિક અગ્રણી આગેવાનોએ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉર્જા મંત્રી ઉર્જા મંત્રીસૌરભભાઈ પટેલ પ્રભારી મંત્રી તથા મહાનુભાવોનો મોમેન્ટો અને શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું
આ કાર્યક્રમમાં ઊર્જા વિભાગના અગ્ર સચિવ સુનયના તોમર સાબરડેરીના ચેરમેન  શામળભાઇ પટેલ, જિલ્લા અગ્રણી રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી  ડૉ. અનિલ ધામેલીયા, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્ટસ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(5:58 pm IST)