Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સુરતનું હજીરા ખાતેનું એલ એન્‍ડ ટી યુનિટ આત્‍મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણઃ 88મી કે-9 વજ્ર ટેન્‍કને ભારતીય સેનામાં સામેલ કરવા કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનના હસ્‍તે ફલેગ ઓફ અપાયુ

સુરત:  હજીરા ખાતે L&T કંપની દ્વારા આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત 88મી K-9 વજ્ર ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવા માટે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાહ તા. આ ઉપરાંત તેમના હસ્તે કંપની દ્વારા નિર્મિત ઇથીલિન ઓક્સાઇડ રિએક્ટરને ઓરીસાના પારદીપ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માટે પણ ફ્લેગ ઓફ આપ્યું હતું. એલ એન્ડ ટી દ્વારા નિર્મિત સુપર ક્રિટિકલ ઇક્વીપમેન્ટ અંતર્ગત MEG (મોનો ઇથીલિન ગ્લાયકો) પ્રોજેક્ટ માટેના દેશોના બીજા ક્રમના સૌથી મોટા ડિ ઇથીલાઇઝર અને વોશ ટાવરને પણ એલએન્ડ ટી રોરો જેટી પરથી ફ્લેગ આપી કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સુરતનું હજીરા ખાતેનું એલએન્ડ ટી યુનિટ આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે. આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરતી એલએન્ડટી કંપનીએ સ્વદેશી ટેન્ક વિકસાવીને નવુ સિમાચિન્હ પ્રાપ્ત કર્યું છે. ઓરિસ્સાનાં પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોનો ઇથિલીન ગ્લાયકોલ પ્રોજેક્ટ અંતર્ગત રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ સંકુલનું નિર્માણ થઇ રહ્યું છે. જેના દ્વારા સુરતના હજીરામાં બનેલા સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો જેવા કે ઇથિલિન ઓક્સાઇડ રિએક્ટર, વોશ ટાવર અને ડી ઇથિલેનાઇઝર ખુબ જ ઉપયોગી પુરવાર થશે.

આ ઉપરાંત આ વિવિધ પ્રોજેક્ટના કારણે સ્થાનિકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ મળી રહેશે. સુરત હજીરાનું પણ પૂર્વ ભારતના વિકાસ પૂર્વોદયમાં મહત્વનું યોગદાન છે. સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો મોનો ઇથીલિન ગ્લાયકોની આયાત ઘટાડશે અને રિફાઇનરીની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સુરત પૂર્વ ભારતના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે. સંપુર્ણ દેશનો પુર્ણત વિકાસ થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

(5:03 pm IST)