Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગુજરાત યુનિવર્સિટી હસ્‍તકની બીએસસી કોલેજમાં ચાલતી પ્રવેશ પદ્ધતિ સામે અધ્‍યાપક મંડળે સવાલો ઉઠાવતા વિવાદ સર્જાયો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી હસ્તક આવેલી બીએસસી કોલેજમાં ચાલતી પ્રવેશ પદ્ધતિ સામે અધ્યાપક મંડળ દ્વારા સવાલો ઉભા કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ કરતા ખાનગી કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાં લાભ આપવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હાલની પ્રવેશ પદ્ધતિમાં રહેલી ખામીઓને લઈ અધ્યાપક મંડળ સતત ગુજરાત યુનિવર્સિટીને રજૂઆત કરી રહ્યું છે. તો સાથે જ પ્રવેશ પ્રક્રિયામાં સુધારો ન કરાતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ માર સહન કરવો પડી રહ્યો છે. તો સાથે જ ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓ ઘટતા અધ્યાપકો પર ફાઝલ થવાનો ભય તોળાઈ રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક મંડળ દ્વારા કરાયેલી રજૂઆત મુજબ ફાર્મસી, એન્જિનિયરીંગ, નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો બીએસસીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો તેનો લાભ વિદ્યાર્થીઓને થઈ શકશે. અધ્યાપક મંડળ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીઓ 500 રૂપિયા ભરી પ્રવેશ મેળવી લે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પાછળથી ફાર્મસી, એન્જિનિયરીંગ તેમજ નર્સિંગ જેવા જુદા જુદા કોર્સમાં પ્રવેશ લઈ લે છે અને બીએસસીમાંથી પ્રવેશ રદ્દ કરાવતા નથી. આવા વિદ્યાર્થીઓની બેઠક B.Sc.ની કોલેજોમાં ખાલી પડે છે. જેના પર અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાતો નથી. જેના કારણે શરૂઆતમાં ગ્રાન્ટેડ કોલેજોમાં સીટ ભરાયા બાદ અચાનક જ 50 ટકા સીટો ખાલી થઈ જાય છે. આ અંગે વધુ જાણકારી અપાતા ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય રાજેન્દ્ર જાદવે જણાવ્યું હતું કે, ખામીયુક્ત પ્રવેશ પ્રક્રિયાને લીધે 3 વર્ષ પહેલાં ગ્રાન્ટેડ કોલેજમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ વર્કલોડ વધુ હતો. ગ્રાન્ટેડ કોલેજોમાં કેમેસ્ટ્રી વિભાગમાં 5 થી 7 અધ્યાપકોની ઘટ હતી. પરંતુ  હવે 3 વર્ષ બાદ હવે 7 અધ્યાપકોની જરૂરિયાત સામે માત્ર 3 અધ્યાપકોની જરૂરિયાત હોય તેવી સ્થિતિ ઉભી છે. બે ડિવીઝન ચાલતા હતા, ત્યાં હવે એક ડિવીઝન બંધ થાય તેવી સ્થિતિ ઉદ્ભવી ચૂકી છે. બેઠકો ખાલી છે, પરંતુ ખામીઓને કારણે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ લઈ શકતા નથી અને ખાનગી કોલેજમાં વધુ ફી ભરી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

પ્રવેશ સમિતિ દ્વારા પણ પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ જાહેર કરી દેવાઈ છે. ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ લીધા બાદ કેટલા વિદ્યાર્થીઓએ અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો અને કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ્દ કરાવ્યો તેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. સાથે જ ગ્રાન્ટેડ કોલેજમાં બેઠક ખાલી હોવા છતાં કોલેજ પરથી કોઈ વિદ્યાર્થી સીધો પ્રવેશ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ નાં હોવાથી ખાનગી કોલેજમાંથી કોઈ વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટ ઇન એઈડ કોલેજમાં આવવા ઈચ્છે તો આવી શકતો નથી.

હાલ ગ્રાન્ટેડ કોલેજોની જે સ્થિતિ થઈ છે, તે મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. એની સામે અધ્યાપકોની જરૂરિયાત પણ ઘટી રહી છે. તેની સામે ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો ફાજલ થાય તેવી સ્થિતિ ઉદભવી રહી છે. આ અંગે ગુજરાત રાજ્યના અધ્યપાક સહાયક મંડળના પ્રમુખ ડો. શશીકાંત તેરૈયાએ કહ્યું કે, અગાઉ જે ગ્રાન્ટેડ કોલેજોમાં 300 જેટલા કાયમી વિદ્યાર્થીઓ હતા. તેમાં હવે 150 વિદ્યાર્થીઓ જ આખરે અભ્યાસ કરી રહ્યા છે. પ્રવેશ બીએસસીમાં મળી જાય, પરંતુ વિદ્યાર્થી જો વિદ્યાર્થી મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી અને એન્જિનિયરીંગમાં પ્રવેશ લઈ બેઠક ખાલી કરી જતો રહે તો તેની કોઈ જાણકારી ગુજરાત યુનિવર્સિટી પાસે છે જ નહિ અને આ બેઠકો અન્ય વિદ્યાર્થીઓને ફાળવી પણ શકાતી નથી. વિદ્યાર્થીઓ સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે હેતુથી પ્રવેશ પદ્ધતિમાં સુધારો લાવવો જરૂરી છે. જો વિદ્યાર્થી પ્રવેશ લીધાના અઠવાડિયામાં પ્રવેશ સુનિશ્ચિત ના કરે તો તેની બેઠક રદ્દ થાય તેવો નિયમ જરૂરી છે. જેથી ખાનગી કોલેજમાં વધુ ફી ભરી અભ્યાસ કરવા મજબૂર બનતા વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજોમાં અભ્યાસ કરી શકે.

બીએસસી કોલેજોમાં હાલ જે અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે. તેઓ અગામી કેટલાક સમયમાં ફાજલ થાય તેવી સ્થિતિ બની રહી છે, અને સાથે જ આવા ફાજલ આધ્યાપકોને રક્ષણ પણ નાં મળતું હોવાથી ઘરે બેસવાનો વારો આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રવેશ પદ્ધતિમાં ખામી હોવાને કારણે એકવાર ગ્રાન્ટેડ કોલેજમાં બેઠક ભરાયા બાદ પ્રવેશ રદ્દ કરાવવાની કોઈ વ્યવસ્થા નાં હોવાથી યુનિવર્સિટીને જ જાણ નથી કે કેટલી બેઠકો ગ્રાન્ટેડ કોલેજમાં ખાલી રહી છે.

(5:03 pm IST)