Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

બનાસકાંઠા જિલ્લાના નગાણા ગામના 62 વર્ષના નવલબેન ચૌધરી દૂધ વેંચીને લાખોની કમાણી કરે છેઃ 80 ભેંસ અને 45 ગાયો આપે છે દરરોજ 1 હજાર લીટર દૂધ

પાલનપુર: કોરોના મહામારીના કારણે અર્થતંત્રને પડેલા ફટકા વચ્ચે આત્મનિર્ભર ભારતનો નારો ગુંજી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની એક મહિલા આપણાં સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.

અહીંના વડગામ તાલુકાના નગાણા ગામની 62 વર્ષની મહિલા નવલબેન ચૌધરી દૂધ વેચીને વર્ષે લાખો રૂપિયા કમાય છે. ગત એક વર્ષમાં નવલબેને 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચી નાંખ્યું છે. નવલબેન દૂધ વેચીને દર મહિને 3.50 લાખ રૂપિયાની કમાણી કરે છે.

જણાવી દઈએ કે, નગાણા ગામ રાજસ્થાન રાજ્યની બોર્ડર પર આવેલુ છે અને અહીં નવલબેન પશુપાલનનો વ્યવસાય કરે છે.

નવલબેનનું પુરુ નામ નવલબેન દલસંગભાઈ ચૌધરી છે. જેમની ડેરીમાં 80 ભેંસ અને 45 ગાયો છે. જેના થકી પ્રતિદિન સવાર-સાંજ 1 હજાર લીટર દૂધ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કરોડોની કમાણી કરનાર નવલબેન સહેજ પણ અક્ષરજ્ઞાન ધરાવતા નથી.

નવલબેનનું કહેવું છે કે, મારા ચાર પુત્ર છે અને તમામ ઉચ્ચ અભ્યાસ કરીને શહેરોમાં નોકરી કરી રહ્યાં છે. તેઓ પણ મદદ કરવા લાગ્યાં છે. વર્ષ 2019માં મેં 87.95 લાખ રૂપિયાનું દૂધ વેચ્યુ હતું. આજ રીતે 2020માં મેં 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચીને પ્રથમ ક્રમે રહી છું.

ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી ચાલે છે. જેને નવલબેન પ્રતિદિન 750 લીટર દૂધ વેચે છે. આમ અહીંના અધિકારીઓ અને મેનેજરો કરતાં પણ તેઓ અધિક કમાણી કરી રહ્યાં છે.

બનાસ ડેરી તરફથી નવલબેનને બનાસકાંઠા જિલ્લામાં દૂધની કમાણી મામલે પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. વર્ષે દૂધ વેચાણ થકી કરોડો રૂપિયા કમાનાર નવલબેનનું કહેવું છે કે, હું પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી રહી છુ

(4:58 pm IST)