Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કોરોના મહામારીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરવા આર્થિક રીતે નબળા પરિવારના સંતાનોની પડખે ઉભા રહવાનો અમદાવાદ પોલીસનો નિર્ણયઃ ઓનલાઇન શિક્ષણ અપાશે

અમદાવાદ: કોરોના મહામારીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આર્થિક રીતે નબળા પરિવારના સંતાનોની પડખે ઉભા રહેવાનો નિર્ણય અમદાવાદ શહેર પોલીસે કર્યો છે. એક તરફ પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને બીજી તરફ કોરોના મહામારીના ચક્કરમાં કોચિંગ કલાસમાં ન જઈ શકતા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઉચ્ચ પ્રકારનું ઓનલાઇન પ્રશિક્ષણ આપવાની તૈયારી થઈ છે. 90 વિધાર્થીઓની એક બેચનું શિક્ષણ શરૂ થયું છે. બીજી ત્રણ બેંચ પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

અમદાવાદ પોલીસ દ્વારા વર્ગ-3 સ્પર્ધાત્મક પરીક્ષાના ઓનલાઇન ફ્રી કલાસીસની શરૂ કરવામાં આવેલી એક બેચમાં જોડાયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ રૂબરૂ મળી પુસ્તકો આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ટ્યુશન કલાસીસની ફી ન ભરી શકતા વિધાર્થીઓ પરીક્ષાની યોગ્ય તૈયારીના અભાવે સફળ ના થાય તે યોગ્ય નથી. જેથી વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જરૂરિયાતમંદ વિધાર્થીને પ્રશિક્ષણ તદ્દન ફ્રીમાં મળી રહે તે હેતુથી સુરક્ષા સેતુ અંતર્ગત આ નિર્ણય લેવાયો છે. 90 વિદ્યાર્થીઓની એક બેચ શરૂ થઈ ગઈ છે. બીજી ત્રણ બેચ શરૂ કરવાની છે. આ માટે સ્ક્રીનીંગ ટેસ્ટ લેવામાં આવશે જેમાં મેરીટ આધારે વિદ્યાર્થીની પસંદગી થશે.ઉમેદવારે એડમિશન લેવા ઓનલાઇન ફોર્મ ભરી સબમીટ કરવાનું રહેશે.

સુરક્ષા સેતુ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ માટે નિ:શુલ્ક પ્રશિક્ષણ તાલીમનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં જરૂરી -યાતમંદ વિદ્યાર્થીને પ્રાથમિકતા આપવામાં આવશે. આ બેચમાં મર્યાદિત સંખ્યા લેવાની હોય.જેથી વહેલી તકે આપેલ લીંક દ્વારા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યુ છે. ઓનલાઈન પ્રશિક્ષણ ફ્રી કલાસીસમાં જોડાવા ઇચ્છતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીએ આપેલી લિંક ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

(નોંધ: ફોર્મ ભરવા માટે ઇ-મેઇલથી લોગઇન કરવુ જરૂરી)

ઓનલાઇન ફ્રી કલાસીસના નિયમો

(1) આ ફોર્મ અમદાવાદ શહેરમાં વસતા ઉમેદવારો માટે જ રહેશે.

(2) સુરક્ષા સેતુ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રશિક્ષણના ફોર્મ તા.01/01/2021 થી તા.10/01/2021 સુધીમાં ભરવાના રહેશે.

(3) લઘુતમ શૈક્ષણિક લાયકાત HSC અથવા તેને સમકક્ષ રહેશે.બિડાણમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પોતાની સહી તથા ધોરણ-૧૨ ની માર્કશીટ ફરજિયાત સામેલ કરવી.

(4) પ્રશિક્ષણ વર્ગમાં ઉમેદવારોની સંખ્યા મર્યાદિત લેવાની હોય. જેથી ઉમેદવારોના સ્ક્રીનીંગ ટેસ્ટ સારું 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષાના મેરીટના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

(5) સ્ક્રીનીંગ ટેસ્ટની સંભવિત તારીખ :- 17/01/2021

(6) બેચ સંભવિત ફેબ્રુઆરી છેલ્લા વીકમાં શરૂ કરી દેવામાં આવશે.

(7) અધુરી કે ખોટી માહિતી આપનાર ઉમેદવારનુ ફોર્મ રદ કરી નાખવામાં આવશે.

(8) સુરક્ષા સેતુ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રશિક્ષણના વર્ગ ઓનલાઇન ZOOM APPLICATION દ્વારા લેવામાં આવશે.

(9) સ્ક્રીનીંગ ટેસ્ટ બાદ ઓનલાઇન વર્ગના પ્રશિક્ષણ માટે પસંદગી પામેલ વિદ્યાર્થીએ પોતાના મોબાઇલ ફોનમાં ZOOM APPLICATION ડાઉનલોડ કરી લેવાની રહેશે.

(10) આ પ્રશિક્ષણ તાલીમ અંતર્ગત કોઇપણ પ્રકારના ઇશ્યુ માટે આખરી નિર્ણય અમારો રહેશે. જે સબંધે કોઇ દલીલ માન્ય રાખવામાં આવશે નહીં.

(4:57 pm IST)