Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

નર્મદા જિલ્લાના લાછરસ ગામે હિન્‍દી સિરીયલના શુટીંગમાં કોવિડ ગાઇડલાઇનનું છડેચોક ઉલ્લંઘનઃ મંજૂરી લીધી છે કે નહીં ? તે મોટો પ્રશ્ન

રાજપીપળા: કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ઘણો સમય લોકો પોતાના ઘરમાં પુરાઈ રહ્યા, કેટલાયે લોકોની રોજી રોટી પણ છીનવાઈ હતી. સરકારે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી અને તેનું પાલન કરવા સાથે ધંધા-રોજગારમાં છૂટછાટ આપી છે. હાલ કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે ધંધા-રોજગારો ચાલી પણ રહ્યા છે.

કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે ધંધા રોજગારો ચાલુ રાખવાની સરકારની સૂચના છતાં નર્મદા જિલ્લાના લાછરસ ગામે હિન્દી સિરિયલના શુટિંગમાં કોવિડ ગાઈડ લાઈનનું છડેચોક ઉલ્લંઘન થતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રામજનોમાં પણ એ બાબતે એવો રોષ છે કે, શુટિંગ દરમિયાન કોરોના સંક્રમણ ફેલાય એનો જવાબદાર કોણ? ગુજરાતી ભોજપુરી ફિલ્મનું શુટિંગ નર્મદા જિલ્લામાં અવારનવાર ચાલ્યા જ કરતું હોય છે. નર્મદા જિલ્લાની સ્થાનિક પ્રજા શુટિંગ થકી રોજગારી પણ મેળવી રહ્યા છે.

લોકડાઉનના 6-7 મહિના સુધી બેકાર બેસી રહેલા લોકોને આ શુટિંગ થકી રોજગારી મળી એ સારી બાબત છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું એટલું જ આવશ્યક પણ છે જ.

ઉલ્લેખનીય છે કે, શુટિંગ ચાલુ કરવા માચે સિરિયલના પ્રોડ્યુસર-ડાયરેક્ટરે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર પાસે જરૂરી મંજૂરી લીધી છે કે કેમ? એ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જો મંજૂરી લીધી હોય તો કોવિડ ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે શુટિંગ ચાલુ કરવા તંત્રએ મંજૂરી આપી હશે, પણ ત્યાં તો કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યુ છે.

નર્મદા જિલ્લા પોલીસે અગાઉ કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરી લગ્નનો વરઘોડો કાઢનારા લોકો પર રીતસરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો આ શુટિંગ મામલે પોલીસ કેવું વલણ અપનાવે છે? એ જોવું રહ્યું.

જો કે મળતી માહિતી મુજબ, લાછરસ ગ્રામ પંચાયતે શુટિંગ કરવાની મંજૂરી આપી છે ત્યારે કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય એની જવાબદારી પણ પંચાયતની જ બને છે.

આ અંગે આગામી સપ્તાહમાં સ્ટાર પ્લસ પર ચાલુ થનારી રંજુ કી બેટીયા સિરિયલના ડાયરેક્ટર પવન કુમારે જણાવ્યું કે, અમે મુંબઈથી ગુજરાત શુટિંગ માટે આવતા પેહલા અમારા સ્ટાફનો RT-PCR ટેસ્ટ કરાવ્યો એ નેગેટિવ આવ્યો ત્યાર પછી જ આવ્યા છીએ. અમે શુટિંગ દરમિયાન અહીંયા કોરોના સંક્રમણ ન ફેલાય એનો પૂરે પૂરો ખ્યાલ રાખીએ છીએ.

(4:57 pm IST)