Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

તું હલકી છે, હું દંડ નહીં ભરૂ.. માસ્ક મામલે મહિલા પોલીસને જેમ તેમ બોલવું મોંઘું પડયું: થઇ કાર્યવાહી

ભણેલા-ગણેલા વિસ્તારમાં માસ્ક વગર ફરતી મહિલાને દંડ ભરવાનું કહેવામાં આવ્યું તો જીભ પરથી કાબૂ ગુમાવ્યો

અમદાવાદ, તા.૫: કોરોના વાયરસને હરાવવા માટે પાછલા એક વર્ષથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જોકે, હજુ સુધી તેમાં સફળતા મળી નથી. આવામાં માસ્ક ફરજિયાત રીતે લોકો પહેરે તે માટે સરકાર, પોલીસ અને કોર્ટ દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા છે. આમ છતાં દ્યણાં લોકો માસ્ક પહેરવામાં નાનપ આવી જતી હોય તેમ વારંવાર માસ્ક ઉતારી નાખવા માટે તૈયાર રહેતા હોય છે. આવી જ રીતે માસ્ક વગર ફરતી મહિલાને મહિલા પોલીસ સામે એલફેલ બોલવાનું ભારે પડ્યું છે. પોલીસે આ કૃત્ય બદલ નિયમનો ભંગ કરનારી મહિલા સામે કડક કાર્યવાહી કરી છે.

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં માસ્ક વગર ફરતી મહિલાને જયારે માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું તો તેણે જીભ પરથી કાબૂ ગુમાવી દીધો અને પછી મહિલા પોલીસને જેમફાવે તેમ બોલવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન માસ્ક ના પહેરનારી મહિલાએ પોલીસને ધક્કો માર્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ મુજબ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના PSI એઆર બાથમ તેમની ટીમ સાથે આ વિસ્તારમાં માસ્કનો સખત રીતે ઉપયોગ થાય તે માટે કાર્યવાહી કરી રહ્યા હતા, આ દરમિયાન એક કાર આવી જેમાં મહિલાએ માસ્ક નહોતું પહેર્યું. માસ્કના નિયમનો ભંગ કરવા બદલ જયારે તેમની સામે પોલીસ દંડ ભરવાની કાર્યવાહી માટે તૈયાર બતાવી તો માસ્ક વગર ફરતી સ્ત્રીએ મહિલા પોલીસને કહ્યું, 'હું મેમો ભરવાની નથી.. હું જોઈ લઈશ, તારે જે કરવું હોય એ કરી લે..'

માસ્ક વગર ફરતી મહિલા આટલેથી ના અટકીને મહિલા પોલીસને એવું પણ બોલી ગઈ કે, 'ચલ ફૂટ.. તું તો હલકી છે, રુપિયા ભેગા કરવા ઉભે છે.. ચાલતી પકડ હું દંડ નથી ભરવાની.. તારે જે કરવું હોય એ કરી લે જે. માસ્કના નિયમના ભંગ બદલ દંડ ભરવાની મનાઈ કરીને પોલીસની કાર્યવાહીમાં અડચણરૂપ બનનારી મહિલા હિરલ પરીખ જયંતીભાઈ શર્મા હોવાનું સામે આવ્યું છે, જેની સામે ૧૮૮, ૧૮૬, ૨૯૪ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(4:04 pm IST)