Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

તેલના ભાવમાં જબ્બર ઉછાળોઃ ગૃહિણીઓ- વેપારીઓમાં રાડ બોલી ગઈ

દર વર્ષે મગફળી અને કપાસનો મબલખ પાક થાય છે આમ છતાં તેલના ભાવો કેમ આટલા બધા ભડકે બળે છે? : છેલ્લા એક મહિનામાં પામોલીન તેલના ભાવમાં ડબ્બે રૂ.૨૦૦ થી ૨૫૦ અને સિંગતેલના ભાવમાં રૂ.૧૫૦ થી ૨૦૦ નો તોતીંગ વધારોઃ ફરસાણ અને નમકીનના વેપારીઓને ન છુટકે મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છેઃ શું તેલ લોબી હજુ પણ ભાવો વધારશે?

રાજકોટ,તા.૫: દર વર્ષે તેલના ભાવોની રામાયણ જોવા મળે છે. આ વર્ષે પણ  તેલના ભાવોમાં જબરો ઉછાળો આવતા ગૃહણીઓ, ફરસાણ અને નમકીનના વેપારીઓમાં રાડબોલી ગઈ છે. ગરીબ અને મધ્યમવર્ગની હાલત દયનિય બની છે.

પામોલીન તેલના ભાવમાં વિક્રમસર્જક ભાવવધારો જોવા મળ્યો છે. ગઈકાલે ૧૫ કિલોના એક ડબ્બાનો ભાવ ૧૭૫૦ રૂ.ની આસપાસ રહ્યો હતો. તો છેલ્લા એક મહિનામાં પામોલીન તેલના ભાવમાં ડબ્બે ૨૫૦ રૂ. જેવો કલ્પનાતીત વધારો થયો છે. દિવાળી પછી તો પામોલીન તેલના ભાવમાં એક કિલોએ ૪૭ રૂ. જેવો અને છેલ્લા એક મહિનામાં ૧ કિલો એ ૧૫ થી ૧૭ રૂ. જેવો આકરો વધારો થતાં નમકીન બનાવનારાઓ અને ફરસાણ બનાવનારાઓમાં રાડ બોલી ગઈ છે.

સીંગતેલમાં ૧૫૦ થી ૨૦૦ રૂ.નો અને કપાસીયા તેલમાં ૨૦૦ થી ૨૫૦  રૂ.નો જબરો ભાવવધારો થયો છે. દર વર્ષે રાજયમાં મગફળી અને કપાસનો જોરદાર પાક થાય છે. પરંતુ આમ છતાં દરવર્ષે તેલના ભાવો ભડકે બળતા જોવા મળે છે. સિંગતેલના ભાવોમાં એકધારો જબરો ઉછાળો આવતા લોકો કપાસીયા તરફ વળ્યા તો કપાસીયાનો ભાવ પણ ભડકે બળતાં લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.

માલની શોર્ટેજ હોવાનું બહાનું...?

નમકીનનું આયુષ્ય લાંબુ રાખવા માટે પામોલીન તેલનો ઉપયોગ કરવો જ પડે

રાજકોટઃ તેલના ભાવો ભડકે બળી રહ્યા છે. ત્યારે વેપારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ તેલની ગાડી કંડલા મોકલવામાં આવે છે પણ તે એક સપ્તાહ બાદ ત્યાંથી ભરાઈને પરત આવે છે અને ઉપરથી જ માલની શોર્ટેજ બતાવાઈ રહી હોવાનું જણાવે છે.

સામાન્ય રીતે પામોલીન તેલ સીંગતેલ અને કપાસીયામાં પણ ભેળસેળ કરવામાં આવતી હોય છે. જેમાં અમુક છુટછાટો પણ મળતી હોય છે. કોઈપણ કંપની નમકીન બનાવે તો એ નમકીનનું આયુષ્ય લાંબુ રહે તે માટે પામોલીન તેલનો ઉપયોગ કરતું જ હોય છે. જેથી એ બનાવેલ વસ્તુ પણ ત્રણ થી ચાર મહિના સુરક્ષીત રહે છે. સીંગતેલથી બનાવેલ વસ્તુ માત્ર સાત- આઠ દિવસ સુરક્ષીત રહેતી હોય છે.

એક મહિનામાં તેલના ડબ્બામાં ભાવવધારો

* પામોલીન તેલ રૂ.૨૦૦ થી ૨૫૦

* કપાસીયા રૂ.૨૦૦ થી ૨૫૦

* વેજીટેબલ વનસ્પી ઘી રૂ.૨૫૦

* સીંગતેલ રૂ.૧૫૦ થી ૨૦૦

(12:42 pm IST)