Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સસ્તા અનાજની ૨૦૦૦થી વધુ દુકાનોના પરવાના સસ્પેન્ડ છે : સમીક્ષા કરીને નવાને તક અપાશે

તમામ ૧૭ હજાર દુકાનદારોનો કોમ્પ્યુટરાઇઝ રેકોર્ડ તૈયાર થઇ રહ્યો છેઃ પરવાનો મોકૂફ કે રદ થાય તો હવાલો નજીકના દુકાનદારને અપાય છે

રાજકોટ,તા. ૫: રાજ્ય સરકારે નાગરિક પુરવઠા વિભાગ હેઠળની સસ્તા અનાજોની દુકાનોની માહિતી કોન્ટરાઇઝડ કરી વહીવટી પ્રક્રિયામાં ધરખમ ફેરફારોની શરૂઆત કરી દીધી છે. ગેરરીતિ કે અન્ય કોઇ કારણસર સસ્પેન્શન હેઠળ રહેલા પરવાનગી સમીક્ષા કરી જરૂરિયાત મુજબ તેના બદલે અન્યને સસ્તા અનાજની દુકાન ચલાવવાની તક અપાશે. સસ્તા અનાજની દુકાન ચાલુ કરવા ઇચ્છતા લોકો પાસેથી ટુંક સમયમાં ઓનલાઇન અરજીઓ મંગાવાશે.

રાજ્યમાં ગેરરીતિ અથવા અન્ય કારણસર જે દુકાનો લાયસન્સ સસ્પેન્ડ કરાયા હોય તેવી સંખ્યા અત્યારે ૨૦૦૦થી વધુ છે. પરવાનો મોકૂફ કરવાની કે રદ કરવાની જુદા જુદા સ્તરે સતા અપાયેલ છે. જિલ્લા પુરવઠા અધિકારીના હુકમ સામે કલેકટર પાસે અને કલેકટર હુકમ સામે વિભાગના નાયબ સચિવ સમક્ષ અપીલ કરવાની જોગવાઇ છે.

રાજ્યના તમામ ૧૭ હજાર દુકાનદારોની રેશનકાર્ડની સંખ્યા સહિતની વિગતો ઓનલાઇન તૈયાર થઇ રહી છે. પરવાનો મોકૂફ હોય તો કેટલા સમયથી અને શા માટે મોકૂફ છે ? દુકાનદારો સામે સરકારી તંત્રએ કેટલી વખત શું પગલા લીધા ? તેની માહિતી કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવી રહી છે. વારંવાર વાંકમાં આવતા દુકાનદારનાં પરવાના કાયમી ધોરણે રદ કરાશે. હાલ જેના પરવાનો મોકૂફ થાય તેની નજીકના દુકાનદારને કામનો હવાલો  સોંપવામાં આવે છે. લાંબો સમય પરવાનો મોકૂફ રાખવાના બદલે કેસનો સમય મર્યાદામાં નિકાલ કરવાની પધ્ધતિ આવી રહ્યાનું સરકારી સુત્રો જણાવે છે.

(10:12 am IST)