Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

તરૂણીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, માતાપિતા સ્તબ્ધ

ઘરમાં માતાપિતાની ગેરહાજરીમાં ફાંસો ખાઈ આપઘાત : સુરત શહેરમાં કેટલાક સમયથી આત્મહત્યાનો સિલસિલો

સુરત,તા. : સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી આપઘાતનો સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાસ કરીને તરૂણી અને યુવતીના આપઘાતની ટૂંક સમયમાં બીજી ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં રહેતી એક તરૂણીએ માતાપિતાની ગેરહાજરીમાં આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. સચિનના જલારામનગરમાં રહેતા પાસવાન પરિવારની સૌથી મોટી દીકરી સવિતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા રહસ્ય ઘૂંટાયું છે. બનાવના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. સચિન વિસ્તારમાં આવેલા જલારામ નગરમાં નંદુ પાસવાન પોતાના પરિવાર સાથે રહે છે. નંદુભાઈને ચાર સંતાનો છે જેમાં સવિતા સૌથી મોટી દીકરી હતી. સવિતાએ તાજેતરમાં ધોરણ ૧૨ની પરિક્ષા પાસ કરી હતી અને ઉચ્ચ અભ્યાસની તૈયારીઓ કરી રહી હતી.

દરમિયાન માતાપિતા ઘરમાં નહોતા ત્યારે સવિતાએ નાના ભાઈ બહેનોને રમતા મૂકીને ગળેફાંસો ખાઈ લીધો હતો. નંદુભાઈ નજીકના વિસ્તારમાં ગેરેજ ચલાવે છે અને પત્ની અંડાની લારી પર છે ત્યારે સવિતાએ આપઘાત કરી લેતા તેના નાના ભાઈએ માતાને કહ્યું હતું કે મમ્મી બહેન પંખા પર લટકી રહી છે સાંભળી માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તાત્કાલિક માતાએ દોડીને ઘરે જઈને જોયું તો દીકરીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

સવિતા બ્યૂટી પાર્લરના કોર્સ કરવા માંગતી હતી અને તેથી તેને એક અઠવાડિયા પહેલાં પિતાએ સામાન અપાવ્યો હતો. જોકે, હવે અચાનક સવિતાએ પગલું ભરી લેતા પરિવારની દુનિયા લૂંટાઈ ગઈ છે. સવિતાએ ક્યા કારણોસર જિંદગી ટૂંકાવી લીધી તો પોલીસ તપાસ બાદ જાણી શકાશે. સુરતના અડાજણ વિસ્તારમાં કાસવજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક મહાવીરસિંહ જાડેજાની ૨૧ વર્ષની દીકરીએ આજે પોતાના ઘરે બેડરૂમમાં પંખે દુપટ્ટો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દીકરીના મોતના સમાચાર સાંભળી માતા-પિતા આઘાતમાં સરી પડ્યા હતા બેભાન થઈ ગયા હતા.

(9:20 pm IST)