Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

મોટું કરપ્શન તો આઇપીએસ અધિકારીઓ જ કરી રહ્યા છે

નિવૃત્ત આઇપીએસની પોસ્ટને લઇ ખળભળાટ : આઇપીએસ અધિકારીઓના ભ્રષ્ટાચારને લઇ સવાણીએ કરેલી એફબી પોસ્ટ બાદ અધિકારીઓ સામે પ્રશ્નો ઉઠ્યા

અમદાવાદ,તા. ૫ : ગુજરાત કેડરના નિવૃત્ત આઇપીએસ રમેશ સવાણી (આર.જે. સવાણી)એ પોલીસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર આઇપીએસ અધિકારીઓ કરતા હોવાનો આક્ષેપ કરતી એક ફેસબુક પોસ્ટ અપના અડ્ડા નામના ગ્રુપમાં કરતાં રાજયભરમાં ખાસ કરીને પોલીસ તંત્રમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. પોસ્ટમાં તેમણે આઇપીએસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા લખ્યું છે કે, આઇપીએસ અધિકારીઓ નોન કરપ્ટ હોવાનો આબાદ ઢોંગ કરે છે. ૧૦૦માંથી ૧૦ જ અધિકારીઓ પ્રામાણિક હોય છે. ખુદ નિવૃત્ત આઇપીએસ અધિકારીના આ ખુલાસા બાદ અમદાવાદ શહેર સહિત રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓના વ્યવહાર, વર્તન અને કર્તવ્યનિષ્ઠા સામે બહુ સૂચક અને ગંભીર સવાલો ઉભા થયા છે. નિવૃત્ત આઇપીએસ સવાણની શબ્દશઃ એફબી પોસ્ટ કંઇક આ પ્રમાણે છે. ગુજરાત પોલીસ સર્વિસ અને ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકીરીઓ લોકોની સેવા માટે છે કે કરપ્શન માટે છે ?

               પોલીસ શબ્દની પાછળ સર્વિસ મૂકી શકાય? ગુજરાત પોલીસમાં કરપ્શન ટોચે પહોંચ્યું છે. આપણે ત્યાં કરપ્શનને નાથવા માટે એસીબી-એન્ટી કરપ્શન બ્યુરો છે. આ બ્યૂરોના અધિકારીઓ પણ પોલીસ વિભાગના જ હોય છે, એટલે કે કરપ્શનના રંગે રંગાયેલા હોય છે. ૨૪ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ, જૂનાગઢ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચાવડાને, ૧૮ લાખની લાંચ લેતા એસીબીના અધિકારીઓએ અમદાવાદના સનાથળ સર્કલ પાસેથી ઝડપી લીધા. ઓગષ્ટ ૨૦૧૯ માં, જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડ વતી ૮ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલને એસીબીના અધિકારીઓએ ઝડપી લીધેલ. ફરિયાદી પોલીસ સ્ટેશને જાય ત્યારે માતાજીઓની છબીઓ જોઈને ફરિયાદીને લાગે છે કે પોલીસ ધાર્મિક છે, મદદ કરશે. પરંતુ ફરિયાદીને જુદો જ અનુભવ થાય છે. ફરિયાદીને સાંભળવાને બદલે તેની પાસે પૈસાની માંગણી થાય છે. ટ્રાફિક પોલીસના ઉઘરાણાનો દરેક નાગરિકને અનુભવ છે.

                કોન્સ્ટેબલ લાંચ લે છે તે તો હિમશિલાની માત્ર ટોચ છે. મોટું કરપ્શન તો આઇપીએસ અધિકારીઓ કરે છે. આ કરપ્શન પર્કોલેટ થતું નીચેના સ્તરે ઉતરે છે. કરપ્ટ આઇપીએસ અધિકારીઓ શરમ રાખ્યા વિના કરપ્શન કરે છે. તક મળે તો પાછા પડતા નથી. તક ન હોય તો ઊભી કરે. ગુજરાત પોલીસમાં એવું કેટલુંય ફર્નિચર ખરીદેલું છે જે વર્ષોથી બિનવપરાશી પડ્યું રહ્યું છે. ખુરશી,ટેબલ,કબાટ ક્યાં રાખવા તે પ્રશ્ન છે. પોલીસ ટ્રેઈનીંગ સ્કૂલ વડોદરા ખાતે બે હેવી જનરેટર ત્રણ વર્ષથી ઈન્સ્ટોલ થયા વિનાના પડ્યા છે. આવી તો અનેક વસ્તુઓ ખરીદાય છે; કમિશન માટે ખરીદી થાય છે. એક સમયે પોલીસ કોન્સ્ટેબલ માટે યુનિફોર્મના કાપડની ખરીદીમાં કરપ્શન થતુ. એના કારણે થોડા સમયમાં યુનિફોર્મનો ખાખી કલર આછો થઈ જતો અને કાપડ ઢીલું થઈ જતું. બુટ, કેપ, મોજા, રેઈનકોટ વગેરેની હાલત બે મહિનામાં ખરાબ થઈ જતી. કોન્સ્ટેબલની ટ્રેઈનીંગમાં એક રાઉન્ડ ઓછું રનીંગ કરાવવા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી પૈસા પડાવે. બેઝીક તાલીમમાં કરપ્શનનો ભોગ બનનાર કોન્સ્ટેબલ કઈ રીતે નાગરિક સાથે સારો વ્યવહાર કરે ? કેટલાક આઇપીએસ અધિકારીઓ નોન કરપ્ટ હોવાનો આબાદ ઢોંગ કરે છે. ગુજરાત કેડરના એક આઇપીએસ અધિકારીએ વડોદરામાં ૩૦૦ કરોડની લાંચ લીધેલ અને તેની ઈન્કવાયરી સીબીઆઇમાં ચાલતી હતી; છતાં આ કરપ્ટ અધિકારીની નિમણૂક સીબીઆઇમાં થઈ હતી. કહેવત છે કઢી અભડાય, દૂધપાક નહીં.

              નાનો પકડાય, મોટો નહીં. સમરથ કો નહીં દોષ ગુસાંઈ. પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ઉપરથી વહે છે. સમરથને એસીબી પકડી શકતી નથી. નાના કર્મચારીઓ/ નાના અધિકારીઓ પકડાય છે. કરપ્શનનું કારણ શું છે ? પગાર ઓછો પડે છે ? મોરારીબાપૂઓ,પાંડુરંગ શાસ્ત્રીઓ, પ્રગટ બ્રહ્મસ્વરુપોના ઉપદેશો બિલકુલ અસરહીન છે ? માણસનો સ્વાર્થ બળૂકો બન્યો છે ? કળિયુગનો પ્રભાવ છે? કારણ શું છે? મહત્વનું કારણ ભ્રષ્ટ નેતૃત્વ છે. જ્યારે નેતૃત્વ સડેલું હોય ત્યારે કરપ્શન વધે, ઘટે નહીં. વહીવટમાં કરપ્શનનો વ્યાપ ખૂબ જ છે : ૧૦૦ આઇપીએસ અધિકારીઓમાંથી માત્ર ૧૦ અધિકારીઓ ઓનેસ્ટ હોય છે. આવું જ આઇએએસ અધિકારીઓનું છે. લોકોની સેવા માટે સરદાર પટેલે ઓલ ઈન્ડિયા સર્વિસનો પાયો નાંખ્યો હતો; પરંતુ સરદારની એ ભાવનાનો આપણી બ્યૂરોક્રસીએ ભૂક્કો બોલાવી દીધો છે.

(9:59 pm IST)